Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વાંકાનેરના કોટડા નાયાણીમાં કોળી સગર્ભા રંજનનો ઝેર પી આપઘાત

સાથે સુતેલા નાના ભત્રીજાને બીજે સુવડાવવા બાબતે પતિ સાથે ચડભડ થતાં પગલું

રાજકોટ તા. ૫: વાંકાનેરના કોટડા નાયાણીમાં રહેતી રંજનબેન મહેશ સાકરીયા (ઉ.૨૧) નામની કોળી સગર્ભાએ ગઇકાલે સવારે ઝેર પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું સાંજે મોત નિપજ્યું છે.

રંજનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં અને હાલમાં પેટમાં દોઢ માસનો ગર્ભ હતો. તેણી બે ભાઇની એકની એક વચેટ બહેન હતી. તેનો પતિ મહેશ ખેતી કરી ગુજરાન ચલાવે છે. માવતર ડોળીયા બાઉન્ડ્રી પાસેના ગામમાં રહે છે. તેના પિતાનું નામ જેમાભાઇ દેવાભાઇ છે. સગર્ભાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રંજન અને તેના પતિ મહેશના રૂમમાં મહેશનો નાનકડો ભત્રીજો તેનો હેવાયો હોવાથી સાથે સુતો હતો. આ ટાબરીયાને બીજા રૂમમાં સુવા મોકલી દેવા બાબતે રંજન અને મહેશ વચ્ચે ચડભડ થતાં મહેશ આ છોકરાને લઇને અગાસીએ સુવા જતો રહ્યો હતો. આ બાબતે મનદુઃખ થતાં તેણીએ આ પગલું ભરી લીધું હતું. વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)