Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મુંદરાના મોખા ચોકડીએ નવેમ્બરમાં શરૂ કરાયએ પહેંલા જ ૯ કરોડનો ટોલટેક્ષ વસુલી લેવામાં અને રસ્તાનું કામ હજુ અધુરૂ!

ભુજ, તા.૪: શરૂઆત થી જ વાહનચાલકો સાથે મારામારી અને ઝદ્યડાના કારણે વિવાદમાં રહેલા મુંદરાના મોખા ચોકડીએ ઉદ્યરાવતા ટોલટેકસ વિશે ભદ્રેશ્વર પાસે આવેલા હટડી ગામના આરટીઆઇ એકિટવિસ્ટ જયપાલસિંહ જાડેજાએ મેળવેલી માહિતી ચોંકાવનારી છે.

મુંદરા થી અંજાર સુધીના આ રસ્તાને સ્ટેટ હાઈવે માંથી નેશનલ હાઈવે માં ફેરવાયા બાદ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ રોડના વિસ્તરણનું કામ મેસર્સ કે.એમ. ટોલ રોડ પ્રા. લિ. ને અપાયું. પરંતુ, ખુદ સરકાર જ કહે છે કે, આ રોડનું કામ અધૂરું છે,હજી પૂરું થયું નથી. આ માહિતી કચ્છના આદિપુર ગાંધીધામ મધ્યે આવેલી નેશનલ હાઈવે ઓથોરીટીએ લેખિતમાં આપી છે. જયપાલસિંહ જાડેજાને આરટીઆઇ હેઠળ નેશનલ હાઈવે ઓથોરીટીના આદિપુર ગાંધીધામના પ્રોજેકટ ડાયરેકટર પી. કે.

સિંઘે આપી છે. તારીખ ૧૫/૬/૨૦૧૮ના લેખિત પત્રમાં સરકાર વતી માહિતી આપતા જણાવાયું છે કે મુંદરા થી અંજાર સુધીના કુલ ૭૧.૪ કિલોમીટર સુધીના આ રોડનું કામ હજી અધૂરું છે હજી સુધી ૬૪.૪૮ કિલોમીટરનો જ રોડ બન્યો છે. જોકે, સનસનીખેજ માહીતી આ સરકારી પત્રના અંતે લેખિતમાં અપાઈ છે એ સમજવા જેવી છે, પ્રોજેકટ ડાયરેકટર પી.કે. સિંઘ સરકાર વતી જવાબ આપતા કહે છે કે, મોખા ટોલગેટ ઉપર ટોલ ઉદ્યરાવવાની કામગીરી હવે પાંચ મહીના પછી નવેમ્બર ૨૦૧૮માં શરૂ કરાશે. હવે જો નવેમ્બર ૨૦૧૮ માં ટોલ શરૂ કરવાનું જો સરકાર ખુદ જ કહેતી હોય તો પછી વાહનચાલકો પાસેથી ટોલ ઉદ્યરાવવાની પરમીશન મેસર્સ કે. એમ. ટોલ રોડ પ્રા. લિ. ને કોણે આપી?

આરટીઆઇ કરનાર જયપાલસિંહ જાડેજાને નેશનલ હાઈવે ઓથોરિટીના ગાંધીધામના પ્રોજેકટ ડાયરેકટર પી.કે. સિંદ્યે જે લેખિત જવાબ આપ્યો છે તેમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે ૮ કરોડ ૯૨ લાખ ઈં  ટોલ વસુલાયો છે, હવે તેમના જ જવાબ પ્રમાણે ટોલની વસૂલાત નવેમ્બર ૨૦૧૮ માં કરવાની હોય તો આ રૂપિયા કેમ વસુલાયા ? અરજીકર્તા જયપાલસિંહ જાડેજાએ ૨૦૧૬ થી મોખા ચોકડીએ વસુલાતા ટોલટેકસ ને ગેરકાયદેસર  ગણાવીને આ કિસ્સામાં   તપાસની માગ કરી છે. મોખા ચોકડી એ ઉદ્યરાવતા ટોલટેકસના વિરોધમાં અનેકવાર ટ્રક એસો.,રાજકીય આગેવાનોએ, સ્થાનિક ગામના રહેવાસીઓ સહિત અનેક વાહનચાલકોએ વિરોધ કર્યો છે, ધરણા કર્યા છે, એ સંજોગોમાં ટોલકસની કાયદેસરતા સામે જ પડકાર ફેંકાયો છે. ભવિષ્યમાં કદાચ આ મુદ્દે કાયદાકીય જંગ પણ ખેલાઈ શકે છે.

મુંદરા વિસ્તારમાં વંચિત અને શોષિત સમુદાય ના સામાજિક ન્યાય અને અધિકારીતા માટે લડત ચલાવતા સામાજિક કાર્યકર ઉસ્માન ગની શેરસિયાએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટીના એકટ પ્રમાણે જો રોડ રસ્તાનું કામ અધૂરું હોય તો કોન્ટ્રાકટર કંપનીને ટોલટેકસ વસુલવાનો અધિકાર મળતો નથી. ભુજ તાલુકાના પધ્ધર પાસે ટોલટેકસ વસૂલ કરવાના પ્રયાસ નો વિરોધ રોડનું કામ અધૂરું હોઈ કરાયો એટલે ટોલટેકસ લેવાનો બંધ કરાયો છે. એજ રીતે સૌરાષ્ટ્ર ના ગડુ થી જૂનાગઢ ના રોડનું કામ અધૂરું હોવા છતાંયે ટોલટેકસ વસુલતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો અને ટોલ લેવાનું બંધ થયું. મુંદરા થી અંજાર સુધીના રોડનું કામ ૬ કીમી બાકી છે, તે ઉપરાંત અનેક જગ્યાએ સર્વિસ રોડનું કામ પણ બાકી છે ત્યારે ટોલટેકસની વસૂલાત કરવી એક પ્રકારની લૂંટ જ છે. લોકોએ જાગૃત બનીને વસૂલાતા ટોલટેકસ સામે અવાજ ઉઠાવવાની જરૂરત છે.

(11:47 am IST)