Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

દેવભુમી દ્વારકા જીલ્લામાં ૨.૨૧ લાખ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાશે

ખંભાળિયા તા.પ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પણ ૯ મહિનાથી ૧૫ વર્ષ સુધીના ૨,૨૧,૫૬૩ બાળકોને રસી આપવા માટેની મહા ઝુંબેશ હાથ ધરવા માટેની માઇક્રો પ્લાનીંગ ઘડવામાં આવી હતી. લોકો ઓરી રૂબેલા વિશે જાગૃત બને અને તમામ લોકો સુધી રસીકરણ અંગેની માહિતી પહોંચે તે અર્થે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા ગત રોજ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

જેમાં માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં ઓરી - રૂબેલા રસીકરણના મહા અભિયાનમાં એક પણ બાળકી બાકી ન રહે તે માટે શિક્ષણ અને આઇસીડીએસ પણ આરોગ્ય વિભાગ સાથે જોડાશે. હાલ રસીકરણ અભિયાન માટે છેલ્લા એક મહિનાથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થયેલ છે.

રસીકરણના મહાઅભિયાનને દ્વારકા જિલ્લામાં સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એસ.પી.સિંઘ, આરસીએચઓ ડો.એમ.ડી.જેઠવા, આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ ડબલ્યુ એચઓના એસએમઓ ડો.વિનય કુમાર અને એઆરટી ઓફીસર ડો.ભાવેશ કાનાબાર જહેમત ઉઠાવી રહ્યા છે.

આગામી દિવસોમાં ખાનગી સરકારી શાળાઓમાં વાલી મિટીંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો સહિતની જગ્યાએ રસીકરણ કરવામાં આવશે. આ અંગેની તમામને તાલીમ પણ આપવામાં આવશે. આ મહાઅભિયાનમાં સેવાકીય સંસ્થાઓ અને એનજીઓ પણ સહયોગ આપવા અપીલ કરી હતી.

(11:46 am IST)