Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમરનાથ યાત્રામાં ફસાયેલા ગોંડલના ૧૭ યાત્રિકો પરત આવવા રવાના

રસ્તા ઉપર ભારે કાદવ-કીચડના કારણે જઇ શકાય તેવી સ્થિતિ નથી : હેલીકોપ્ટરની મદદ માંગી

ગોંડલ : ભારે વરસાદના કારણે અમરના યાત્રા બંધ રહેતા ગોંડલના ૧૭ જેટલા યાત્રિકો ફસાઇ જતા મુશ્કેલી સર્જાયા બાદ આ યાત્રિકો પરત ગોંડલ આવવા રવાના થયા છે. ઉપરોકત તસ્વીરોમાં અમરનાથ યાત્રા નજીકની સ્થિતિ તથા ગોંડલના યાત્રિકો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. પ : લાખો ભાવિકોના આસ્થાના પ્રતિક સમી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયા બાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં અમરનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. ત્યારે આ વર્ષે ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રામાં ગયેલા ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વારંવાર અમરનાથ યાત્રા રોકી દેવામાં આવે છે, જેના કારણે ભાવિકો કોઇને કોઇ જગ્યાએ કસાઇ છે ત્યારે ગોંડલના ૧૭ જેટલા યાત્રિકો અમરનાથ યાત્રા બંધ કરાતા યાત્રિકો ફસાયા હતાં. ત્યારબાદ આ યાત્રિકો ગોંડલ આવવા રવાના થયા છે.

છેલ્લા બે દિવસથી યાત્રા બંધ રહેતા યાત્રિકોને કોઇ જગ્યાએ રોકાઇ જવું પડે છે. ગોંડલથી પંકજભાઇ રાયચુરા તેના પરિવાર અને સગા સબંધી જેમાં ૩ દંપતિ એક મહિલા સહિત અમરનાથ યાત્રાએ ગયા છે. જેઓ ભારે વરસાદના કારણે જમ્મુમાં રોકાઇ ગયા હતાં. જયાંથી એક દંપતિ અને એક મહિલા અમરનાથ યાત્રા સુધી પહોંચ્યા વગર પરત આવવા રવાના થયા છે.

જયારે થોડા દિવસો પહેલા ગોંડલથી અમરનાથ મહાદેવ યાત્રાએ ધર્મેન્દ્રભાઇ એમ. ટોળીયા, ધર્મેન્દ્રભાઇ બી. કોટક, ભુપતભાઇ બાંભવા, દર્શનભાઇ બાંભવા, હેમંતભાઇ બાંભવા, રોકડભાઇ સહિતના ગયા છે જેઓ બે દિવસથી અમરનાથ યાત્રા બંધ હોવાથી જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં રોકાયા છે જયાં હોટલના રૂમનું એક દિવસનું ભાડુ ૧પ૦૦ રૂપિયા લેવામાં આવે છે અને જમવાનું સમયસર મળે છે પરંતુ વધુ વરસાદના કારણે સ્થિતિ વિકટ છે.

ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાએ જવા માટે ગોંડલના યાત્રિકોએ સરકાર પાસે હેલીકોપ્ટરની મદદ માંગી છે કારણ કે પહેલગાવથી અમરનાથ મહાદેવના દર્શને જવા માટેના રસ્તા ઉપર વરસાદના કારણે કાદવનું સામ્રાજય સર્જાયું છે અને ભાવિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંતે આ યાત્રિકો ગોંડલ આવવા રવાના થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ જવા માટેના રસ્તા ઉપર ભારે હિમવર્ષા થઇ હતી અને તેના કારણે તંત્ર દ્વારા વારંવાર અમરનાથ યાત્રા બંધ કરવી પડી રહી છે.

(11:46 am IST)