Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વાંકાનેરના રાણેકપર ગામે મૌલાનાએ સગીરા સાથે અડપલા કરતા ચકચાર : બાળાના ઘર પર પત્થરમારો કર્યો

ભોગ બનનાર બાળાના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા જતા મૌલાના અને તેની ટોળકીના સરપંચ સહિત ૭ શખ્સોએ હુમલો કર્યો : ગામમાં પોલીસ પહોંચતા જ આરોપીઓ છૂ થઇ ગયા

વાંકાનેર તા. ૫ : વાંકાનેરના રાણેકપર ગામે મૌલાનાએ સગીરા સાથે અડપલા કરતા ચકચાર જાગી છે. સગીરાના પરિવારજનો ફરીયાદ કરવા જતાં મૌલાના અને તેની ટોળકીના ૭ શખ્સોએ બાળાના ઘર પર પત્થરમારો કરી હુમલો કર્યો હતો. જોકે, પોલીસ પહોંચી જતા મૌલાના સહિતના શખ્સો નાસી છૂટયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ આજથી ચાર માસ પૂર્વે મૌલાના શૌકતઅલી મકબૂલમીંયા (હાલ રે. રાણેકપર, મૂળ ગામ ભાખર, તા. ઉંઝા, જી. મહેસાણા)એ બદકામ કરવાના ઇરાદે સગીરાને બાથમાં લઇ શારીરિક અડપલા કર્યા બાદ 'કોઇને કહીશ તો જાનથી મારી નાખવા'ની ધમકી આપી હતી તે વખતે સગીરાના વાલી ફરીયાદ કરવા જતા હતા પરંતુ ગામ લોકોની સમજાવટથી આ મામલો ત્યારે તો સમેટાયો હતો પરંતુ ગઇ મોડી રાત્રે ફરિયાદી પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તેવી બાતમી આરોપીઓને મળતા ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ભય ઉભો કરતા ફરિયાદી ભયભીત થતાં વાંકાનેર દોડી જતા શહેર પોલીસમાં પોલીસ અધિકારી ધાંધલને જાણ કરતા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને સમજી લઇ પોલીસ કાફલો ફરિયાદીને લઇ રાણેકપર ગામે પહોંચી જતા ત્યાં ફરિયાદીના ઘર પર હુમલાની હરકતો જોઇ પોલીસે કુનેહ પૂર્વક આરોપીઓને ઝબ્બે કરવાની કાર્યવાહી કરે એ પહેલા જ આરોપીઓ ભાગી છૂટયા હતા.

આરોપીઓ પૈકીના મૌલાના શૌકતઅલી મકબૂલમીંયા, નીઝામુન શેરસીયા, ઉસ્માન હબીબ શેરસીયા, હુશેન નુરમામદ શેરસીયા (સરપંચ), મામલ જલાલ શેરસીયા, ઇબ્રાહીમ મામદ (ભુરો), સીકો સંધી (રહે. પંચાસર)એ ફરીયાદી પર લાકડી ધોકા અને અન્ય હથિયારો દ્વારા હુમલો કરી અને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે આઇપીસી કલમ 'પોસ્કો-૧' કલમ ૮ તથા ૩૫૪/એ, ૧૪૩, ૫૦૪, ૫૦૬/૨, ૩૭-૧/૧૩૫ મુજબનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા ઠેર-ઠેર ટીમો ગોઠવી દીધી છે.

આ બનાવની વિશેષ તપાસ પોલીસ અધિકારી ધાંધલ ચલાવી રહ્યા છે. આ બનાવે વાંકાનેર પંથકમાં ભારે ચર્ચા જગાડી છે.(૨૧.૧૬)

(12:32 pm IST)