Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જોડીયાધામમાં પૂ.ભોલેબાબાજીનો પુણ્યતિથી મહોત્સવ

જોડીયાધામ : જામનગર જીલ્લાના જોડીયાધામમાં શ્રી ઉદાસીન સંત કુટીર રામવાડી આશ્રમમાં પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ પૂજયપાદ ૧૦૦૮ સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીની (૩૨મી) પુણ્યતિથી મહોત્સવ સંતશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા અતિ આનંદ અને ઉત્સાહપુર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે સંતો મહંતોની પાવન નિશ્રામાં ઉજવાયેલ છે. જે પ્રસંગે તા. ૨૯મીના રોજ સાંજના ૪ થી ૭ દરમિયાન સૌ સાધક ભાવિક ભકતજનો દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ ધુન, સંકીર્તન યોજાયેલ. ત્યારબાદ સાંજના શ્રી જયોતી સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની દિપમાળાની ઢોલ નગારા અને શંખો દ્વારા જય જયકારના ઘોષથી થયેલ હતી. તેમજ રાત્રીના સંતવાણી ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકાર જયદેવ ગોસાઇ (ભજન સમ્રાટ)  તેમજ મુનાભાઇ નીમાવત સહિતના સંગીતના સાથીદારોએ ભજનોની રંગત જમાવી હતી. પૂ.સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૨મી) પુણ્યતિથિના પાવન પર્વે બપોરના ૧૨ કલાકે પૂ.બાબાજીનો ભવ્ય ભંડારો (દિવ્ય ભંડારો) (મહાપ્રસાદ) યોજાયેલ. જેમાં અનેક જગ્યાએથી સંતો મહંતો પધાર્યા હતા અને ભાવિક ભકતજનોએ મહાપ્રસાદ લીધેલ હતો. તેમજ સાંજના ધુવાડા બંધ જમણવાર હતો. આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી ગીર પંથકમાંથી સાધુ સંતો રમતા રામ મહાત્માઓ સહિત પધાર્યા હતા. રામવાડીને રંગબેરંગી લાઇટ ડેકોરેશનથી શુસોભીત કરેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામવાડી ગ્રુપના દરેક યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી. પૂ.બાબાજીના નિર્વાણદિને પૂ.બાબાજીના મંદિરમાં બપોરના ૧૨ કલાકે ઢોલ નગારા અને શંખોદ્વારથી મહાઆરતી જોડીયા રામવાડીના સેવક શનિભાઇ વડેરાએ ઉતારી હતી. આ પ્રસંગે પૂ.બાબાજીના અનન્ય સેવક શનિભાઇ વડેરા, દિનેશભાઇ પેઢડીયા, ડાયાભાઇ પોલા, જયસુખભાઇ જસાણી તથા પૂ.બાબાજીનો વિશાળ સેવક સમુદાયે જહેમત ઉઠાવેલ હતી.

(11:39 am IST)