Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ભુજ નગરપાલિકાના પાણીના ટાંકાનો સ્લેબ તૂટ્યો

અડધા ભુજને પાણી વિતરણ કરતાં શિવકૃપાનગરના જર્જરિત ટાંકાનો સ્લેબ ધ્વંશ થયો

(ભુજ) ભુજના શિવકૃપાનગરના જાહેર વિતરણના પાણીના ટાંકાનો સ્લેબ તૂટી જતાં જર્જરિત ટાંકાની હાલત ઓર જર્જરિત થઈ છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આ બાબતે ભુજ પાલિકાના ભાજપના ખાડે ગયેલા વહીવટની આકરી ટીકા કરી છે. ભુજમાં પીવાના પાણીના ધાંધીયા વચ્ચે લોકો માટે દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના પાંચ વોર્ડના સવા લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકાની હાલત લાંબા સમયથી જર્જરિત છે. નવા ટાંકાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કર્યું પણ પાંચ મહિનાથી કોઈ કામ ન થયું હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસના યુવા નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સત્વરે નવા ટાંકાની જરૂરત છે. જુના જર્જરિત ટાંકામાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જોકે, અત્યારે ભુજ પાલિકાએ જર્જરિત ટાંકાનું સમ્મારકામ શરૂ કરી દીધું છે. અત્યારે ભુજમાં અઠવાડિયે માંડ માંડ પાણી વિતરણ થાય છે. નર્મદાના પીવાના પાણી માટે પણ કચ્છમાં વલખાં મારવા પડે છે. નર્મદાના સિંચાઈના પાણીના મુદ્દે કચ્છભરમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે હવે નર્મદાના પીવાના પાણીની પણ બુમરાણ ઉઠી છે.

(4:02 pm IST)