Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વિંછીયામાં તોફાની પવન સાથે ખાબકેલા મેઘરાજાએ અનેક વૃક્ષો હોર્ડીંગો-છાપરાને ધરાશાયી કર્યા

છાપરા ઉડતા ૩ વ્યકિતને સામાન્ય ઇજા પહોંચી તો ઠેરઠેર પાણી ભરાયાઃ અચાનક વરસાદથી વિજળી ડૂલ થઇ તો સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત પણ મળી

વિંછીયા તા. પ :.. રાજકોટ જિલ્લાના વિંછીયામાં ગઇકાલે બપોરે સખ્ત - ગરમી અને ઉકળાટ બાદ ૩-૩૦ થી ૪.૩૦ વાગ્યા દરમ્યાન એક કલાકમાં દે ધનાધન ૧ાા ઇંચ વરસાદ પડી જતા પાણી...પાણી... થઇ ગયું હતું.

વરસાદ શરૂ થતા થોડીવાર આકાશ માંથી કરા વરસ્યા હતાં. બાદમાં તોફાની પવન અને વાવાઝોડુ સાથે અનરાધાર - તૂટી  પડતા... જેઠ માસમાં અષાઢી માહોલ જામ્યો હતો. તોફાની પવનને લીધે સંખ્યાબંધ ઝાડનો સોંથ બોલી ગયો હતો. તો વિંછીયા મેલડીમાં મંદિર પાસે વાવાઝોડામાં પતરૂ ઉડીને આવતા ત્રણ વ્યકિતઓને લોહી લુહાણ-સામાન્ય ઇજા થયાનું જણાવાય છે.

સાથે સાથે તોફાની પવન અને વાવાઝોડા થી વિંછીયામાં ઠેરઠેર લોખંડના પતરા પૂંઠાની માફક ઉડયા હતાં. થોડીવાર માટે વિંછીયાની બજારમાં પાણી...પાણી... થઇ ગયુ હતું. વરસાદની સાથે વિંછીયામાં વિજળી ગૂલ થઇ ગઇ છે. હાલ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ છે.

(11:27 am IST)