Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

પર્યાવરણની ઉજવણી વચ્ચે કચ્છમાં વિજલાઇનોએ પાંચ મોરનો ભોગ લીધો

જોરશોરથી પર્યાવરણ દિ' ઉજવતી સરકારના ઉદ્યોગિકરણની નીતિ વચ્ચે વન અને મહેસૂલ તંત્રના સંકલનમાં અભાવે કચ્છમાં પર્યાવરણનો ખો, ફલેમિંગો, ઘોડાર, ચિકારાના મોત પછી હવે મોરના મોતની સંખ્યા વધી

ભુજ તા. ૫ : આજે ૫ મી જૂને વિશ્વભરમાં પર્યાવરણ દિવસની ઉજવણી સાથે રાજય સરકાર પણ પર્યાવરણ દિવસ જોરશોરથી ઉજવી રહી છે. પણ, દુર્ભાગ્યે કચ્છમાં ગઈકાલે બે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતે લોકોમાં શોક અને આક્રોશ સજર્યો છે. કવિ કલાપી (લાઠી)નું સાસરિયું એવા નખત્રાણાના રોહા સુમરી ગામે ગઈકાલે વીજ તારમાં ભેરવાઈ જવાથી એક મોર અને એક ઢેલના મોત થયા હતા. છેલ્લા પંદર દિવસમાં આ વિસ્તારમાં કુલ પાંચ મોરના ભોગ લેવાઈ ચુકયા છે.

અહીં સૂઝલોન અને સિમેન્સ ગામેસા એમ બે પવનચક્કી કંપનીઓ દ્વારા ૩૩ કિલો વોટની વિજલાઈનો નાખવામાં આવી છે. રોહા સુમરીનો કિલ્લો અને ત્યાં પથરાયેલી ડુંગરની હારમાળા વનરાજી કચ્છની અલભ્ય વન સપંદા છે. અહીં મોરના મોતને પગલે ગ્રામજનો ગુસ્સામાં છે. જોકે, મૂળ વાત અહીં પવનચક્કીની મંજૂરી કેમ અપાઈ તેની છે.

અહીંથી વિજલાઈનો દૂર કરવા માટે વનવિભાગ કહે છે, સૌરાષ્ટ્ર વૃક્ષ ધારા છેદન કાયદા અનુસાર વીજ લાઈનનો આ વિસ્તાર મહેસુલ વિભાગ હેઠળ આવે છે. એટલે, એ વિજલાઈનો દૂર કરવાનો અધિકાર સત્તા મહેસુલી તંત્રની છે. વનવિભાગે અહીં ઔધોગિક હેતુની પરવાનગી નહીં આપવા નખત્રાણા ડેપ્યુટી કલેકટર કચેરીને જણાવ્યું હતું. જોકે, હવે સરકારી તંત્રની જે નીતિ છે, એ આશ્ચર્ય સર્જે તેવી હકીકત દર્શાવે છે.

નખત્રાણાના ડેપ્યુટી કલેકટરનું કહેવું છે કે, વિજલાઈનો ઉભી કરવા માટે તેમની કચેરીની મંજૂરી જ લેવામાં આવતી નથી. સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ પરબારી લાઈનો ખડકી દેવાય છે. જોકે, કચ્છમાં ખાનગી ખેતરોમાંથી દાદાગીરીથી નખાતી વિજલાઈનો સામે ખેતર માલિકના વિરોધ વચ્ચે પોલીસ રક્ષણ સમયે વીજ કંપનીઓ મહેસુલી મંજૂરી દર્શાવીને કામગીરી કરતી હોય છે.

અબડાસા વિસ્તારમાં આથી અગાઉ સુથરી અને અન્ય ગ્રામ્ય પંથકમાં પણ પવનચક્કીની વિજલાઈનોમાં મોર ના મોત થતાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા વિરોધ કરી ચુકયા છે. આ ઉપરાંત ભુજના કોટડા પંથકમાં પણ વિજલાઈનો મોરનો ભોગ લઈ ચુકી છે.

અગાઉ કચ્છમાં એશિયામાં જોવા મળતા ઘોરાડ પક્ષીઓના મોત વિજલાઇનો - પવનચક્કીઓના કારણે થયા'તા

ભુજ તા. ૫ : વાગડમાં ફલેમીંગોનો ભોગ અને એશિયામાં ભાગ્યે જ જોવા મળતા નલિયામાં વસવાટ કરતા ઘોરાડ પક્ષીઓના મોતમાં પણ વિજલાઈનો, પવનચક્કીઓ, અને કયાંક સિમેન્ટ કંપનીઓ જવાબદાર હોવાનું સત્તાવાર બહાર આવ્યું છે.

અલભ્ય એવા ચિંકારા સહિતની વન્ય સૃષ્ટિનું ધીરે ધીરે નિકંદન નીકળી રહ્યું હોવા છતાંયે કોઈ ઠોસ કાર્યવાહી કરવાને બદલે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રહી છે. અહીં વિરોધ ઉદ્યોગો સામે નથી પણ બેધારી નીતિને બદલી સાચા અર્થમાં આપણે પ્રગતિનો રાહ લેવાની જરૂર છે. કોરોનાની મહામારી પછીયે વિકાસની આંધળી દોટની આપણી નીતિઓ નહીં બદલીએ તો કુદરતની સાથે ભાવિ પેઢી પણ આપણને માફ નહીં કરે. વાસ્તવિકતા તરફ મોઢું ફેરવવાને બદલે વાસ્તવિકતાને સ્વીકારીશું તો જ આગળનો રસ્તો મળશે. પર્યાવરણ દિવસે શાહમૃગ નીતિ મૂકીને ખરા હૃદયથી પર્યાવરણ દિવસને ઉજવીએ.

(2:56 pm IST)