Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

સૌરાષ્ટ્રમાં પાલિકા પ્રમુખની ચૂંટણી ? ભાવનગર કોર્પોરેશનમાં હોદ્દેદારોની વરણી

પોરબંદર, ગોંડલ, મોરબી, વાંકાનેર સહિત પાલિકામાં હોદ્દેદારોની મુદ્દત પુરી : અનેક નામોની ચર્ચા

રાજકોટ તા. ૫ : સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પાકિલાના હોદ્દેદારોની ચૂંટણી યોજાશે. જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

હોદ્દેદારોની મુદ્દત પુરી થતાં પોરબંદર, ગોંડલ, મોરબી સહિત જુદી-જુદી પાલિકામાં હોદ્દેદારોની વરણી કરાશે. જ્યારે ભાવનગર કોર્પોરેશનના હોદ્દેદારોની મુદ્દત પુરી થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

મોરબી - વાંકાનેર

મોરબી : મોરબી અને વાંકાનેર નગરપાલિકામાં મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે પ્રમુખપદ માટેની ચુંટણી યોજાનાર છે જેમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપની બહુમતી હોવાથી પ્રમુખની સીટ ભાજપ માટે નક્કી જ છે જોકે મોરબી નગરપાલિકામાં નવાજુની થઇ સકે છે.

મોરબી નગરપાલિકાની ચુંટણી બાદ નિયમ મુજબ મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જોકે સત્ત્।ાની ખેંચતાણમાં સ્થિર શાસન જોવા મળ્યું ના હતું અને પ્રથમ કોંગ્રેસ બાદ વિકાસ સમિતિના મહિલા પ્રમુખે ગાદી સાંભળી હતી તો હાલ ભાજપના ગીતાબેન કણઝારીયા પ્રમુખપદ શોભાવી રહ્યા છે જોકે મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોય જેથી રાજય સરકારના આદેશ મુજબ તા. ૨૨ જુન સુધીમાં ચુંટણી યોજવાની હોય જેથી મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં તા. ૧૩ ના રોજ જયારે મોરબી નગરપાલિકામાં તા. ૧૪ ના રોજ ચુંટણી યોજાનાર છે.

જેમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવતું હોવાથી પ્રમુખની ચુંટણી આસાનીથી પાર પડી જશે જયારે મોરબી પાલિકાની વાત કરવામાં આવે તો ભાજપ કે કોંગ્રેસ એકપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી અને વિકાસ સમિતિના ટેકાથી શાસન સંભાળતા ભાજપને હવે વિકાસ સમિતિનો ટેકો મળે છે કે પછી કોંગ્રેસના અસંતુષ્ટ એવા વિકાસ સમિતિના સદસ્યો ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરે છે તેના પર સઘળો દારોમદાર રહેશે તે ઉપરાંત કોંગ્રેસના બાગી સદસ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કરેલી કાર્યવાહીમાં સાત સદસ્યો સસ્પેન્ડ થયા છે જેની સુનાવણી પણ પ્રમુખ ચુંટણી પૂર્વે થશે જેથી આ ફેસલો તરફેણમાં આવે છે કે વિરોધમાં તે સમીકરણો પણ અસર કરશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

ગોંડલ

ગોંડલ : ભાજપશાસિત ગોંડલ નગરપાલિકામાં મહિલા પ્રમુખના રાજને અઢી વર્ષની મુદત પૂરી થતાં આગામી તારીખ ના ચૂંટણી યોજાઈ પ્રમુખ-ઉપપ્રમુખ નિયુકિત કરવામાં આવનાર છે આ ચૂંટણીને લઇ તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી તારીખ ૧૧મી જૂન બપોરના ૧૨ કલાકે ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી રાયજાદા હાજરીમાં યોજાનાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપશાસિત ગોંડલ નગરપાલિકા માં પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખની રોટેશન હોય એક વર્ષ માટે રીનાબેન ભોજાણીને પાલિકાનો કારભાર સોપાયો હતો. બાદમાં દોઢ વર્ષ મનિષાબેન સાવલિયાએ પ્રમુખની ફરજ બજાવી હતી.

પોરબંદર

પોરબંદર : પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદ્દત પુરી થતાં તા. ૧૧મીએ ચૂંટણી થશે. જેમાં ભાજપના ૪૦ અને કોંગ્રેસના ૪ સહિત ૪૪ નગરસેવકો દ્વારા મતદાન કરાશે.

ભાવનગર

ભાવનગર : મહાનગર પાલિકાના મેયર, ડે.મેયર, કારોબારી કમિટિના ૧૨ સભ્યો અને તમામ નવ જેટલી પેટા કમિટિઓની અઢી વર્ષની મુદ્દત પુરી થતાં તા. ૧૪મી જુનના રોજ સવારના ૧૧ વાગ્યે આ પદોની ચૂંટણી માટે સાધારણ સભા મળશે.

તા. ૧૩મી જૂને ઉપરના પદાધિકારીગણની અઢી વર્ષની મુદ્દત પુરી થતાં બોર્ડના બીજા અઢી વર્ષ માટે બાકી રહેલી બોર્ડની મુદ્દત સુધી તા. ૧૪મી જુનના બોર્ડમાં નવી વરણીઓ થશે અને આ માટે મેયર કચેરી દ્વારા પરિપત્ર જાહેર થયો છે. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટિના ૧૨ સભ્યોની અઢી વર્ષની મુદ્દત પુરી થતાં સ્ટેન્ડીંગ કમિટિના ૧૨ સભ્યોની ચૂંટણી પણ થશે.

જ્યારે મહાનગર સેવા સદનની ૯ ખાસ પેટા કમિટિના સભ્યોની જુન ૨૦૧૮ના માસમાં પૂર્ણ થતી હોય નવ પેટા કમિટિ સભ્યોની પણ વરણી થશે. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા તા. ૧૪મી જુનના રોજ મેયર, ડે.મેયર, સ્ટે.કમિટિના ૧૨ સભ્યો અને ૯ પેટા કમિટિના સભ્યોની પણ વરણીઓ કરાશે. વધુમાં સ્ટે.કમિટિમાં જે સભ્યોની નિમણૂંક થાય તેમણે આ સભાના દિવસે સાંજના ૫.૩૦ કલાકે ચેરમેનની ચુંટણી માટે સ્ટે.કમિટિ રૂમમાં હાજર રહેવા પણ સભ્યોને જણાવાયું છે. તા. ૧૪મી જુને મહાનગર સેવા સદનના પદાધિકારીઓની નિયુકિત મુદ્દે ભાજપના ૩૪ નગરસેવકોમાં ભારે દોડધામ શરૂ થઇ છે. આજે સેવા સદન ખાતે ભાજપના મોટા ભાગના સભ્યો ચૂંટણી મુદ્દે એકત્ર પણ થયા હતા.

(11:39 am IST)