Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જેતપુરમાં જુની અદાવતને લીધે જયેશ કોળી પર મુસ્લિમ શખ્સોનો હુમલોઃ હાથ-પગ ભાંગી નાંખ્યા

અગાઉ પડોશી હતાં ત્યારે થયેલી માથાકુટનો ખાર રાખી રાજા અંસારી અને ચાર અજાણ્યા ધોકા-પાઇપથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૫: જેતપુરમાં જુના મનદુઃખને લીધે કોળી યુવાનને જકાતનાકા પાસે આંતરી મુસ્લિમ શખ્સોએ હીચકારો હુમલો કરી હાથ-પગ ભાંગી નાંખતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ જેતપુર કણકીયા પ્લોટ સુમરાના ડેલા પાસે રહેતો જયેશ દિનેશભાઇ ડાભી (ઉ.૩૪) નામનો કોળી યુવાન સાંજે ચારેક વાગ્યે જકાત નાકા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રાજા અંસારી અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોએ તેને આંતરી લાકડી અને પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

હુમલાને પગલે દેકારો મચી જતાં લોકોના ટોળા ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. પરિવારજનોને જાણ થતાં બનાવ સ્થળે દોડી જઇ જયેશને જેતપુર હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. જયેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને કારખાનામાં મજૂરી કરે છે.   તેના પરિવારજનોના કહેવા મુજબ અગાઉ પોતે અને રાજા અંસારી પડોશમાં જ રહેતાં હતાં, હાલમાં અન્ય સ્થળે રહે છે. અગાઉ પડોશી હતાં ત્યારે રાજાના નિવૃત મિલ્ટ્રીમેન પિતા સાથે માથાકુટ થઇ હતી. તે બાબતે ચાલતાં મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો. હુમલામાં જમણો હાથ અને જમણો પગ ભાંગી ગયા છે. જેતપુર પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)