Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પોરબંદરમાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળનો પ૯ મો સ્થાપના દિન ઉજવાયો

બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિઃ દિવ્યાંગો ખેલાડીઓનું સન્માન, માર્ગદર્શન શિબિર, કાયદાનું માર્ગદર્શન

પોરબંદર, તા., ૫: છેલ્લા પ૮ વર્ષથી ધર્મ કે કોમના ભેદભાવ વગર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપી તેઓના ર્સ્વાગી વિકાસ થાય તે પ્રકારની અનેકવિધ પ્રવૃતિ કરી રહેલા સ્વ.દેવજીભાઇ ખોખરી સ્થાપીત ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળમાં સંસ્થાના પ૯માં સ્થાપના દિનની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું.

પોરબંદર શહેરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ અને તાલીમ આપી સમાજમાં પુનઃ સ્થાપન કરતી સંસ્થા શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ પોરબંદર પોતાની સેવાના પ૮ વર્ષ પુરા કરીને પ૯માં વર્ષમાં પ્રવેશી રહી છે. ત્યારે સંસ્થાના પ૯માં સ્થાપના દિન ઉજવણીનાં પ્રારંભે સંસ્થાની વ્યવસ્થાપન સમીતીના ઉપપ્રમુખ ડો. સુરેશ ગાંધીએ જણાવ્યું હતું કે આંખ, કાન, નાક વગેરે જેવી ઇન્દ્રીયોનો મગજ સાથે સંબંધ છે. પ્રજ્ઞાચક્ષુઓની આંતરીક શકિતઓ જબરજસ્ત હોય છે. કુદરતને માણસનું સર્જન કર્યુ છે. તેઓ અમુક માણસોમાં ખામી રાખી દે છે પરંતુ પ્રજ્ઞાચક્ષુઓએ તેમની આંખની ખામી અંગે લાચારી અનુભવવી જોઇએ નહી કેમકે કુદરતી ખામીની સાથે ખુબ પણ આપી છે.

વ્યવસ્થાપન સમીતીના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ સંસ્થાના સ્થાપક શ્રી દેવજીભાઇ ખોપરીએ સને ૧-૬-૬૦માંકપરી સ્થિતિમાં ચારણ કન્યા છાત્રાલયની એક ઝુંપડીમાં આ સંસ્થાનો પ્રારંભ કર્યો હતો. સંસ્થાના ભુમીપુજનમાં શ્રી રણછોડદાસજી મહારાજ, ડોંગરેજી મહારાજ, મોરારીબાપુ અને પ્રમુખ સ્વામી જેવા સંતોના આશીર્વચન મળવાથી આ સંસ્થા વટવૃક્ષ બની છે. આજે સંસ્થામાંધો.૧ થી ૮ અને ધો.૧૦-૧રના વર્ગો ચાલે છે.

પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું કે આ સંસ્થાના વિકાસમાં સ્વ. દેવજીભાઇ ખોખરીનું મહત્વનું પ્રદાન રહયું છે. વિશ્વ પ્રસિધ્ધ વૈજ્ઞાનીકનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે વૈજ્ઞાનીક હોકીન્સનું શરીરનું એક પણ અંગ કામ કરતું નહોતું ફકત આંખનીપોષણથી લિપીની શોધ કરી હતી. મજબુત મનનું ઉમદા ઉદાહરણ છે મનને કેળવવાથી જ શરીર કેળવાય છે મનની નિર્બળતાછે તે માનસીકતા દુર કરવી જરૂરી છે.

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વસંતકુમાર મહોદયએ જણાવ્યું હતું કે આ સંસ્થામાં વીસ વર્ષ પહેલાં મે સંગીત-તબલા વાદનની તાલીમ લીધી છે. આથી ઉપસ્થિત રહેવાનો આનંદ વ્યકત કરૂ છું. કુદરત વ્યકિતના શરીરમાંકંઇક બાકી રાખે છે ત્યારે તે વ્યકિતને શકિત આપે છે. આત્મ વિશ્વાસ અને ઉત્સાહની મહત્વકાંક્ષા દિવ્યાંગ વ્યકિતને સફળતા અપાવે છે.

જિલ્લા કલેકટરએમ.એ.પંડયા, અધિક નિવાસી કલેકટર એમ.એચ.જોષીએદિવ્યાંગ બાળકોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાની આવશ્કયતા ગણાવી ગજબની આંતરીક શકિત ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોરબંદરને ગૌરવ અપાવવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળના પ૯માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના ટ્રસ્ટી અને કાયદાના જ્ઞાતા પ્રકાશભાઇ મંકોડીએ ભારત સરકાર દ્વારા દિવ્યાંગના કલ્યાણમાટે ઘડવામાં આવેલ કાયદો-અશકત વ્યકિતઓનો અધિકાર અધિનિયમ ર૦૧૬ વિગતે માર્ગદર્શન પુરૂ પાડયું હતું. પોરબંદરના ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસઓથોરેડના સેક્રેટરી શ્રી ત્રિવેદીએ પણ આ તકે દિવ્યાંગ બાળકોને કલ્યાણકારી યોજનાઓ તથા કાયદાઓની વિસ્તૃત સમજ આપી હતી. શિબિરનાઅંતે ચર્ચા-પ્રશ્નોતરી યોજાઇ હતી. જેમાં દિવ્યાંગ બાળકો અને તેના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખરા અર્થમાં સંસ્થાનો સ્થાપના દિન ઉજવાયાની લાગણી વ્યકત કરી હતી.

પોરબંદર જિલ્લાના જે દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી પોરબંદર જિલ્લાનું નામ ઉજ્જવળ બનાવનાર  ૧૩ જેટલા દિવ્યાંગ ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્થપત્ર એનાયત કરી સન્માનીત કરાયા હતા. તદ ઉપરાંત ગાંધી પ્રેમી શ્રી જયેશભાઇ હીંગળાજીયાનું પણ અભિવાદન કરાયું હતું.

સંચાલન પોરબંદરના હરીષભાઇ થાનકીએ આભારવિધિ જોઇન્ટ સેક્રેટરી જતીનભાઇ હથીએ કરી હતી. કાર્યક્રમમાં ઇન્ટરવ્હીલ કલબના પ્રમુખ સુનયનાબેન શેબરા, ધારાસભ્યના પી.એ. શ્રી નાગાજણભાઇ ઓડેદરા, જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા, જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઇ લાખાણી, લોકઅદાલતના સલાહકાર શ્રી ભીખુભાઇ ચાવડા, શ્રેષ્ઠીઓ દોલુભાઇ દાસાણી, ઉષાબેન ખોખરી સમાજ શ્રેષ્ઠીઓ શહેરના પ્રધુધ્ધ નાગરીકો, વાલીઓ સહીત પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હાજ રહયા હતા.

(11:31 am IST)