Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

શાપર-વેરાવળ પોલીસના તોડ પ્રકરણ અંગે ડીવાયએસપીને તપાસ સોંપાઇ

મહિલા બુટલેગર પાસેથી તોડ કર્યો'ને કેસ પણ કર્યો.. : એક પોલીસ કર્મચારીની જીલ્લા બહાર બદલી : અન્યના તપેલા ચડે તેવી શકયતા

ગોંડલ, તા. પ : શાપર-વેરાવળ પોલીસ દ્વારા ચાર માસ પહેલા દેશીદારૂના ખોટા કેશમાં ફીટ કરી રૂ. ૮પ હજાર જેવી રકમની કરાયેલ તોડની ઘટનામાં રેન્જ આઇ.જી. સુધી રજૂઆત કરાતા બનાવ અંગે ગોંડલ ડીવાયએસપીને તપાસ સોંપાતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે. તોડ પ્રકરણમાં શાપરના એક કોન્સ્ટેબલની જીલ્લા બહાર બદલી કરી દેવાઇ છે.

માહિતગાર વર્તુળો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ શાપરમાં સરકારી ખરાબાની જગ્યામાંથી ૭પ લીટર દેશી દારૂ પોલીસ દ્વારા ઝડપી લઇ ખરાબાની બાજુમાં રહેતી એક મહિલા બુટલેગરને દેશીદારૂમાં ફીટ કરી દઇ રૂ.૮પ હજારનો વહીવટ કરાયો હતો. અગાઉ પોલીસ ચોપડે ચડી મૂકેલી મહિલા બુટલેગર પાસે પૈસા ના હોય કહેવાય છે કે સોનાના ઘરણા વહેંચી પૈસાની વયવસ્થા કરાઇ હતી. શાપર પોલીસે વહીવટ કર્યા બાદ પણ મહિલા ઉપર કેસ કરતા અને મહિલાને અદાલતમાં જામીનમુકત ન મળતા તેના પરિવાર દ્વારા રેન્જ આઇજીને રજૂઆત કરાતા બનાવ અંગે ગોંડલ ડીવાયએસપી ચૌહાણને તપાસ સોંપાઇ છે. ચાર માસ પહેલાની તોડ પ્રકરણની ઘટનામાં એક કોન્સ્ટેબલની જીલ્લા બહાર બદલી કરી દેવાઇ છે અને હજુ બીજા અનેકના તપેલા ચડે તેવી શકયતા છે. બનાવ અંગે તપાસના ઘોડા દોડતા થયા હોય પોલીસ બેડામાં ચકચાર જાગી છે.

ઘટના અંગે ડીવાયએસપી ચૌહાણનો સંપર્ક કરાતા તપાસ સોંપાયાનું અને કોન્સ્ટેબલની બદલી થયાનું જણાવી હજુ તપાસ શરૂ કરાઇ હોય પોલીસ દ્વારા તોડ કરાયાની વાત અંગે 'થોભો અને રાહ જુઓ' તપાસમાં વિગત ખૂલ્યે જણાવાશે તેવું જણાવ્યું હતું.

(11:22 am IST)