Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

જસદણમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાલતા કોવિડ સેન્ટરમાં ભાઇચારાના દર્શન

ના હિન્દુ બનેગાના મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા : રમઝાન માસ ચાલતો હોય જસદણ-વિંછીયા પંથકના મુસ્લિમ બીરાદરો દ્વારા દાનની સરવાણી વહે છે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. પ :.. કોરોના મહામારીએ આજે સમગ્ર દેશમાં અજગરી ભરડો લીધો છે. ત્યારે ગામે - ગામ અને શહેરોમાં અનેક સંસ્થાઓ દ્વારા દર્દી નારાયણની સારવાર માટે અનેક પ્રકારની સેવાઓ ચાલી રહી છે. પરંતુ આજે આપને વાત કરવી છે એક એવા સેવા યજ્ઞની જેની નોંધ હિન્દુ - મુસ્લિમના કટર વાદી જુથોએ પણ લેવી પડે.

આ યજ્ઞ ચાલી રહ્યો છે. રાજકોટ જીલ્લાનાં જસદણ શહેરમાં જસદણ શહેરમાં સરકારી દવાખાના થી માત્ર ૧પ૦ મીટર દુર સુન્ની મુસ્લિમ જમાત ખાના ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે ત્યાં કોઇપણ સમાજનાં લોકોની સારવાર માટે દરવાજા ર૪ કલાક ખુલ્લા રહે છે.

દેશમાં મતોના રાજકારણ માટે જુદા જુદા રાજકીય પક્ષો હિન્દુ - મુસ્લિમના નામે રાજકીય નોટંગી કરી હિન્દુ-મુસ્લિમ વચ્ચે  વેરઝેર વધારી દીધા છે આજે સમગ્ર દેશમાં હિન્દુ કે મુસ્લિમ બીરાદરોને કોરોનાની સારવાર માટે દવાખાનામાં બેડ પણ નથી મળતા ડોકટર પાસે પ્રાથમિક સારવાર માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. એમાંય કોઇ દર્દીને ઓકસીજનની જરૂર પડે તો દર્દી સાથે આખો પરીવાર મુશ્કેલીમાં મુકાય જાય છે ત્યારે આવા કપરા સમયમાં જસદણનાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ૩૦ બેડની કોરોના હોસ્પિટલ યુધ્ધનાં ધોરણે શરૂ કરી દરેક સમાજને લોકોની સારવાર કરી ભાઇચારાનાં દર્શન કરાવ્યા છે.

આ કોરોના કેર સેન્ટરની જસદણ ખાતે ટ્રસ્ટ મુલાકાત લીધી ત્યારે ત્યાંની વ્યવસ્થા અને સેવાભાવી યુવાનોની સેવા અને હિન્દુ કે મુસ્લીમ કોઇ જોયા વગર રાત - દિવસ પરીવારજનો પણ ન કરે તેનાંથી ઉમદા સેવા જોઇ આંખમાંથી હર્ષ આવી ગયાં.

જસદણ શહેર અને તાલુકાના સમસ્ત લઘુમતી સમાજ દ્વારા અહી ચાલતી કોરોના હોસ્પિટલમાં ૩૦ બેડ ઓકિસજન વાળા છે. જયાં અત્યંત કુશળ ડોકટરો સાથે નર્સિંગ સ્ટાફ કોરોનાના દર્દીઓની સારવાર સાથે સેવા કરે છે. અહીં વિનામુલ્યે દવાની સાથોસાથ આખો દિવસ ચા-પાણી-નાસ્તો સહિત ત્રણ ટાઇમ શુધ્ધ જમવાનું આપવામાં આવે છે. જેમાં દર્દી સાથે આવતા સગા-વ્હાલાને પણ આ લાભ આપવામાં આવે છે.

સારવાર દરમિયાન બે થી ત્રણ હિન્દુ દર્દીના મૃત્યુ થયા ત્યારે અહીં સેવા કરતા મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ રીત-રીવાજ મુજબ અંતિમવિધી કરી ભાઇચારાની સાથે હિન્દુસ્તાની કોને કહેવાય તેના દર્શન કરાવે છે.

આ કોવિડ સેન્ટરની બહાર એક ટેન્ટ ઉભુ કરવામાં આવ્યુ છે જેમાંથી દિવસ દરમિયાન દર્દીને કે તેમના સગા-વ્હાલઓને લીલા નારીયાણનું પાણી, મુસંબીનો જયુસ કે નાસ્તો દિવસ-રાત આપવામાં આવે છે.

જસદણ શહેરમાં ચાલતા આ સેવાયજ્ઞમાં હિન્દુ-મુસ્લિમના નામે મતો માંગતા રાજકારણીઓ જો એક વખત મુલાકાત લ્યે તો તેમને ખબર પડે અહીં હિન્દુ-મુસ્લિમ નથી અહીતો હિન્દુસ્તાન છે....!

છેલ્લે... એક ચલચિત્રમાં સરસ મજાનું ગીત છે ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાનકી ઓલાદ હે ઇન્સાન બનેગા એ ગીત ખરેખર જસદણના આ કોરોના સેન્ટરમાં જોવા મળે છે.

આ સેન્ટરમાંથી અનેક હિન્દુ - મુસ્લિમ ભાઇ - બહેનો સારવાર લઇ સાજા થઇ કામે લાગી ગયા છે. અમુક ગરીબ પરીવારનાં લોકો મફતમાં સારવાર લઇ સાજા થયા છે તેવા લોકો અહી સેવા કરવા પણ આવે છે.

હાલ આ કોરોના હોસ્પિટલમાં ખુશી જીનીંગ વાળા ઇમરાનભાઇ ખીમાણી, રફિકભાઇ ગોગદા, રસીદ ગલીયાણી, સીરાજભાઇ ડાયાતર, મજીદભાઇ ગાંધી, રસીદભાઇ ગનીયાણી, તન્નવીર ઇસાણી, ઉસ્માનભાઇ ગોગદા, રાજુભાઇ બિલખીયા, સાજીદભાઇ આરબ, રાજુભાઇ, યુસુફભાઇ પરમાર અને રાત્રી દરમિયાન ફરજ બજાવતા આરિફભાઇ મેસર સહિતના સેવા કરી રહ્યા છે.

કુરાનમાં પણ લખ્યુ છે ખીદમત એ મખલુક મતલબ દરેક જીવાત્માની સેવા કરી આ યુવાનો હાલ કુરાનના સંદેશાને ખરા અર્થમાં સાકાર કરી બતાવ્યો છે.

આ કોરોના હોસ્પિટલમાં જીલ્લા આરોગ્ય કેન્દ્રનાં ડો. અફઝલ તેમજ તેમની આરોગ્યની ટીમ મેડીકલ સેવા આપી રહ્યા છે.

રાજયનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ જસદણનાં પ્રાંત અધિકારી પ્રિયાંક ગલ્ચર પણ તંત્ર દ્વારા મળતી જરૂરી  સુવિધાઓ આપી રહ્યા છે.

અહીં સેવા કરતા મુસ્લિમ યુવાનોએ કહયુ કે અમને અહી સેવા કરી હજ પઢયા જેવો અનુભવ થાય છે જયારે અમુક હિન્દુ યુવાનોએ કહયુ કે હવે અમારે ચાર-ધામ યાત્રા અહીજ થઇ ગઇ છે.

હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે જસદણ પંથકનાં મુસ્લિમ બીરાદરો અહી ખુબ જ આર્થિક સહયોગ આપી રહ્યા છે.

(12:05 pm IST)