Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ભર ઉનાળે માવઠાથી ખેડૂતો ઉપર છવાયા ચિંતાના વાદળા

પ્રથમ તસ્વીરમાં ભાયાવદર, નજીક વૃક્ષ ધરાશાયી, બીજી તસ્વીરમાં મોટી પાનેલીમાં વરસતો વરસાદ, ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં વરસાદ, ચોથી તસ્વીરમાં જામજોધપુરમાં વરસેલ વરસાદ, પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં ધોરાજીમાં માવઠાથી થયેલ નુકશાન નજરે પડે છે. (પ-૯)

પ્રથમ તસ્વીરમાં ભાયાવદર, નજીક વૃક્ષ ધરાશાયી, બીજી તસ્વીરમાં મોટી પાનેલીમાં વરસતો વરસાદ, ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં વરસાદ, ચોથી તસ્વીરમાં જામજોધપુરમાં વરસેલ વરસાદ, પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં ધોરાજીમાં માવઠાથી થયેલ નુકશાન નજરે પડે છે.

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમખધતા ૪૧ ડીગ્રી તાપમાન વચ્ચે પણ દરરોજ સાંજે કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. માવઠાના કારણે પાકને ભારે નુકશાન થતા ખેડૂતો ઉપર ચિંતાના વાદળા છવાઇ ગયા છે.

અનેક શહેરોમાં વરસી પડતા કાળઝાળ ગરમીમાં લોકોને આંશિક રાહત મળે છે. મંગળવારે સવારથી બફારો અને વાદળોની હડીયાપટ્ટી બાદ વાતાવરણ પલટાયું હતું અને રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, મોટી પાનેલી અને ભાયાવદરમાં જોરદાર ઝાપટા વરસી ગયા હતા અને માર્ગો તરબતર બની ગયા હતા તો બીજી તરફ ભાણવડના શેઢાખાઇમાં પણ હળવા છાંટા વરસ્યા હતા અને ગોપ ગામે કરાં પડતા લોકો કરાં ઝીલવા દોડી ગયા હતાં.

ચૈત્રી દનીયા તપતા રાજકોટ આજે રાજયનું સૌથી ગરમા ગરમ શહેર બન્યું હતું તાપમાનનો પારો ૪૧.ર ડીગ્રીને આંબી જતા નગરજનો અસહ્ય ગરમી અને તાપમાં સેકાયા હતાં.

રાજકોટ શહેરમાં સવારથી સૂર્ય નારાયણનો આકરો મીજાજ જોવા મળ્યો હતો. સવારથી બફારા અને ઉકળાટથી નગરજનો પરસેવે રેબઝેબ ન્યા હતાં. બપોરના સમયે શહેરના રાજમાર્ગો સુમસામ બની ગયા હતાં.

જામજોધપુર

જામજોધપુર તાલુકાના  ગોપ ગામે ભારે પવન સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગોપ, જીણાવાળી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ગોંડલ

ગોંડલમાં છેલ્લા પાંચ દિવસ થી સાંજે અષાઢી માહોલ વચ્ચે મેઘવષાઁ નો સિલસિલો આજે પણ યથાવત રહેવાં પામ્યો હતો.સાંજે વાતાવરણ માં પલટો આવ્યા બાદ આકાશ ગોરંભાયુ હતું.ઠંડો પવન ફુંકાયો હતો અને વરસાદ નું જોરદાર ઝાપટું વરસ્યું હતું.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે બપોર બાદ એકદમ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાતા અને બાદમાં વરસાદ શરૂ થતાં ૪થી ૫ વાગ્યા દરમિયાન  કલાકમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડયો હતો હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડતા રોડ ઉપર રહેલા ઝાડ પડી ગયેલા હતા આ ઝાડની નીચે રહેલા કેટલાક વાહનોમાં પણ નુકસાન થયેલું છે ભાયાવદર ઉપરાંત આજુબાજુનાં ગામડામાં પણ થોડો ઘણો વરસાદ પડ્યાના સમાચાર મળે છે.

મોટી પાનેલી

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ભારે બફારા અને ઉકળાટ બાદ બપોરે ચાર કલાકે પવનના સુસવાટા સાથે મેઘરાજા એ દસ્તક દીધી હતી ભારે પવન અને જોરદાર કડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો સતત અડધો કલાક વરસાદ વરસતા ખેતરોમાંથી પાણી હાલતા થઇ ગયેલ ગામના રોડ રસ્તા ભર ઉનાળે પાણીમાં ડૂબી ગયા હતા લોકોને ગરમીથી થોડી રાહત જરૂર પહોંચી છે પરંતુ ખેતરોમાઁ ઉભેલો તલ મગફળી અડદ મગ ડુંગરી જેવા ઉનાળુ મોલને ભારે નુકસાન થયેલ હોય ધરતીપુત્રો બેહાલ બન્યા છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીમાં ગઈકાલે સાંજે ૪.૩૦ કલાકે સાંજે ભારે પવન સાથે વરસાદ આવતા થોડીવાર માટે તો આજ સુધી ફેલાઈ ગઈ હતી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા તો અનેક વિસ્તારોમાં મોટા ફટાફટ વૃક્ષોે ધરાશાયી થઇ ગયા હતા તેમજ સરકારી હોસ્પિટલ કોવીડ વિભાગમાં મંડપ ધરાશાયી થતાં થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી પરંતુ કોઈ જાનહાનિ કે ઇજા ના બનાવો બનેલ નથી.

જ્યારે ધોરાજી જેતપુર રોડ નાગરિક બેંક બેંક ચોક ખાતે મોટા કરા જાહેર રસ્તા ઉપર થયેલા જોવા મળ્યા હતા તેમજ જેતપુર રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું.

આ સમયે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તા પર પાણી જોવા મળ્યું હતું.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ધોરાજી બપોરના જોરદાર બફારથી લોકો કંટાળી ગયેલ અને બાદમાં જોરદાર વાવાઝોડા સાથે ગાજવીજ વરસાદ પડેલ હતો. જયારે વરસદારથી ઉનાળુ મગફળી તલ એરડા સહિતના પાકોમાં ભારે નુકશાની થયેલ છે. અને ઢોરને ખવરાવા માટે સુકો ઘાસ ચારો પલળી ગયેલ હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ગરમીથી થોડી રાહતનો અનુભવ થયેલ અને નાના નાના ચેક ડેમોમાં નવા નીર આવેલ હતા આ વિસ્તારોમાં ૧ ઇંચથી વધારે વરસાદ થયાના વાવડ મળેલ છે.

(12:54 pm IST)