Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જામનગર જી.જી. હોસ્પિટલના ડોકટરો તથા અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા

જામનગર, તા.૪: અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી. જી. હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોકટરો સાથે જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ દાખલ દર્દીઓની સંખ્યા તથા તેમની સ્થિતિ, હોસ્પિટલમાં ઓકસીજનની જરૂરિયાત તથા તેની સ્થિતિ, રેમડેસેવીર ઇન્જેકશનની જરૂરિયાત તથા માંગ, આવશ્યક દવાઓની જરૂરિયાત, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની ફાળવણી અને રાત્રિ દરમિયાન દાખલ દર્દીઓની વિશેષ કાળજી સહિતના મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ મંત્રીશ્રીએ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો તથા સૂચનો ધ્યાનથી સાંભળ્યા હતા અને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ આ તકે તમામ આરોગ્યકર્મીઓની રાત-દિવસની સતત મહેનત અને સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ૮ કલાકના સ્થાને આપ સૌ હાલ ૧૨ કલાકથી વધુ ફરજ બજાવો છો, આપના પરિવારને મુકી અન્યના પરિવારોને પોતાના સમજી સેવા કરો છો એ બાબત ખરેખર વંદનિય છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓના શબ જે પરિવારજન ઈચ્છે છે તેમને સોંપવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યા બાદ કીટ ખોલવામાં આવી છે જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત બન્યા હોવાની ભીતિ પેદા થઈ છે આ સમયે જે લોકો મૃતદેહને દ્યરે લઈ જાય તે કિટને ખોલે નહીં અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી કોવિડ માર્ગદર્શિકાનુ પાલન કરે તેમ કહી રાજયમંત્રીશ્રીએ જામનગરની જનતાને કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની સાથે ઉભા છે. હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ ઉણપ આવવા દેવામાં આવશે નહીં, પરંતુ આ સમયે માત્ર જામનગરવાસીઓનાં સાથની જરૂર છે.

આ મુલાકાતમાં શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, નાયબ કલેકટરશ્રી ઉપાધ્યાય, પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર, ડીનશ્રી નંદીની દેસાઇ, સુપ્રિટેંડન્ટ શ્રી ડો.તિવારી, કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી, એડિશનલ સુપ્રિટેંડન્ટ શ્રી ડો.વસાવડા વગેરે અધિકારી ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

(12:52 pm IST)
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8.30 કલાકે ફરી રાજ્યને સંબોધન કરશે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:41 pm IST

  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST