Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

જોડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસનો રાફડો ફાટયો

પીઠડમાં જ ૫૦ થી ૬૦ કેસ : રસનાળ, બોડકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૫ : જોડીયા તાલુકાના છેવાડાના ગામ પીઠડ રસનાળ, બોડકા સહિતના ગામડાઓમાં છેલ્લા આઠેક દિવસથી કોરોનાના એકસો જેટલા કેસો થયા હોવાની જાણ થતાં આ કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી ફેલાઇ રહેલ છે. સ્થાનિક પીઠડ-૧ ગામમાં જ ૫૦ થી ૬૦ જેટલા કેસો થઇ ગયેલ છે ત્યારે આ છેવાડાના ગામો કોરોનાની સારવાર માટે ભગવાન ભરોસે જીવી રહેલ છે.

પીઠડ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે ચાલી રહેલ છે. આ આરોગ્ય કેન્દ્રમાં અંદાજે ૧૪ કર્મચારીઓનો સ્ટાફ છે ત્યારે ફરજ પર ૩ થી ૪ કર્મચારીઓ જ હાજર રહેલ છે તેમજ આ આરોગ્ય કેન્દ્ર શરૂ થયું ત્યારથી મેડીકલ ઓફિસર તરીકે કોઇ હાજર રહેતું નથી. હાલમાં પણ મેડીકલ ઓફિસરની પોસ્ટ ચાર્જમાં છે અને આ મેડીકલ ઓફિસર જામનગરથી અપડાઉન કરે છે જે ૧૧ થી ૧૨ વાગ્યાની આસપાસ આવતા હોવાનું ગામ લોકોએ જણાવેલ છે.

પીઠડ ખાતેના આ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સવલત આજુબાજુના ૧૦ ગામડાઓની જનતાને સુવિધા મળી રહે તે માટે અતિ અદ્યતન બનાવેલ છે પરંતુ આ વિસ્તારની જનતાની કમનસીબી સમજો કે તેઓ માટે આ આરોગ્ય કેન્દ્ર તરફથી કોઇ જ સમયસર સારવાર મળતી નહી હોવાનો લોકોએ આક્રોશ વ્યકત કરેલ.

જોડીયા તાલુકામાં આવેલા આવા આરોગ્ય કેન્દ્રો તેમજ આયુર્વેદીક દવાખાનાઓનો વહીવટ પણ છેલ્લા ઘણાં જ સમયથી રામભરોસે ચાલી રહેલ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ઝડપથી પ્રસરી રહેલ છે. જ્યારે કોરોનાના પ્રથમ રાઉન્ડ શરૂ થયેલ ત્યારે શહેરના નાગરિકો પોતાના વતન ગામડાઓ તરફ દોટ મુકીને સુરક્ષિત રહેલ પરંતુ આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પરિસ્થિતિ પેદા થતા સુરક્ષિત સ્થળો નહીં રહેતા. કોરોનાની ભયંકરતા અને વ્યાપકતા વધી રહેલ છે ત્યારે તાકીદે જિલ્લાના તથા સરકારશ્રીના વહીવટકર્તાઓએ તાકીદે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આ લાલીયાવાડી બંધ કરીને નિયમિત રીતે લોકોને સારવાર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ તેવી ગ્રામ્ય વિસ્તારની જનતાની માંગણી છે.

(11:58 am IST)