Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કચ્છમાં રવિવાર બન્યો રકતરંજિતઃ ૬ ના મોતઃ ટ્રેલર અને કાર અથડાતા એરફોર્સના જવાન, સાસુ, સાળી ત્રણના મોત

બાઈક કેનાલમાં ખાબકતા પત્નીનું મોતઃ ટ્રેનમાંથી પડી જતા પટેલ પ્રૌઢનું મોતઃ ઘેર જતાં રાહદારીનું વાહન હડફેટે મોત

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૫ : કચ્છમાં ગઇકાલે અલગ અલગ અકસ્માતોની ઘટનામાં ૬ માનવ જિંદગીઓના મોત નીપજતાં રવિવાર રકતરંજિત બન્યો હતો. નલિયા ભુજ હાઈવે ઉપર વિભાપર ગામ પાસે કાર અને ટ્રેલર અથડાતાં કારમાં સવાર ત્રણ જણાના અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે ને ઈજાઓ થઈ હતી.

નલિયા એરફોર્સના જવાન આશિષ રસ્તોગી પોતાના સાસુ અને સાળીને ભુજ મૂકવા આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચલાવતાં આશિષ રસ્તોગી, તેમના સાસુ નીતાબેન શર્મા, સાળી દિપ્તીબેન કૌશિકના મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારના અન્ય બે સભ્યો વિધીબેન અને બાળક શ્રેયાંસને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ટ્રેલર ચાલક નાસી છૂટયો હતો. અકસ્માતમાં કારનો બુકડો વળી જતાં અંદર રહેલા ફસાયા હતા. જેમને ત્યાં દોડી આવેલા લોકોએ બહાર કાઢયા હતા. સાળી બનેવીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

જ્યારે સાસુનું ભુજમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોથાળા ગામની ૧૦૮ ની ટીમે અકસ્માતગ્રસ્ત પરિવારના દાગીના અને સમાન સપ્રત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અકસ્માતના અન્ય ત્રણ અલગ અલગ બનાવોમાં ભચાઉના મનફરા ગામથી નર્મદા કેનાલ સાથેના રોડ ઉપર કડોલ ગામે બાઈક ઉપર જતી વેળા બાઈક સ્લીપ થતાં દંપતી કેનાલમાં ખબકયું હતું. જેમાં પત્ની નીતાબેન (ઉ.૨૨)નું કેનાલના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે પતિ મહેશ ઢીલાનો આબાદ બચાવ થયો હતો. મુંબઈથી ભુજ આવતી સયાજીનગરી ટ્રેનમાં વોંધ ગામ પાસે પડી જતાં ભચાઉના ૫૦ વર્ષીય પ્રૌઢ મહેન્દ્ર દાના પટેલનું મોત નિપજ્યું હતું. તો, ટ્રેનમાં અમદાવાદથી પરત ઘેર કંડલા ફરેલા અને સ્ટેશનેથી પગપાળા જતાં ૪૫ વર્ષીય રાહદારી પ્રવીણ સોમાં પરમારને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું.  અકસ્માતના આ જુદા જુદા બનાવો અંગે પોલીસ દ્વારા તપાસ શરૃ કરાઈ છે.

(11:55 am IST)