Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

જામનગરમાં કોરોના પોઝિટિવની એન્ટ્રી થતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ

દરેડ વિસ્તારમાં પોલીસ તેમજ આરોગ્ય વિભાગની ટીમના ધામા: સમગ્ર વિસ્તાર સીલ કરાયો :૧૪ મહિનાના બાળકના માતા -પિતા અને કાકા વગેરેને કોરોન્ટાઈન કરાયા

 જામનગર: જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમા કોરોનાવાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, પરંતુ આજે જામનગરમાં પણ કોરોનાવાયરસના પોઝિટિવ કેસની એન્ટ્રી થઈ છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા એક શ્રમિક પરિવારના માત્ર ૧૪ મહિનાના બાળક નો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝેટીવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. બાળકને હાલ જીજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યું છે. ઉપરાંત તેના માતા- પિતા અને કાકા વગેરેને પણ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. અને હોસ્પિટલમાં તેઓના પણ નમૂનાઓ એકત્ર કરાઇ રહ્યા છે. જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર કોરોનાવાયરસના પ્રથમ કેસને લઈને હરકતમાં આવી ગયું છે. અને સમગ્ર વિસ્તારને સીલ કરીને આરોગ્યની ટીમ તેમજ પોલીસ વિભાગે દરેડમા ધામા નાખ્યા છે. અને આરોગ્ય વિષયક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
            જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાવાયરસ ની હજી સુધી એન્ટ્રી થઇ ન હતી. ત્યાં સુધી વહીવટી તંત્ર માટે બહુ ચિંતાનો વિષય ન હતો. પરંતુ આજે જામનગર જિલ્લાનો પ્રથમ કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ સામે આવતા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. જામનગર તાલુકાના દરેડ માં ની વસાહત ની વચ્ચે રૂમ ભાડે રાખીને રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા એક  શ્રમિક પરિવારના ૧૪ મહિના ના બાળક નો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝેટીવ આવતા બાળકને હાલ જામનગરની જી.જી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. અને તે વેન્ટિલેટર પર છે. તેની હાલત નાજુક ગણાવાઈ રહી છે.
 જામનગર જી જી હોસ્પિટલમાં આજે જામનગર ના બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવ્યા હતા. તે પૈકીનો એક બાળક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાળક ની હિસ્ટ્રી અંગે મળતી માહિતી મુજબ ગત ૩૦મી તારીખે ૧૪ મહિનાના બાળકને તાવ શરદી અને ઉધરસની તકલીફ થતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી પરંતુ તેને દવા આપીને રજા આપી દેવાઈ હતી. જે બાળકને ઘરે લઈ જવાયો હતો.
            પરંતુ ગઈકાલે ફરીથી તબિયત બગડતાં તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના લોહીના નમૂના એકત્ર કરીને આજે કોરોનાવાયરસના શંકાસ્પદ દર્દી તરીકે ગણતરી કરી સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા સૌ પ્રથમ જીજી હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને બાળકને આઇસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યું છે. ન્યુમોનિયાની અસર થઈ ગયા પછી તેનો આ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
             જીજી હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ અંગેની વિગતો જાહેર કરાયા પછી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. જિલ્લા કલેકટર શ્રી રવિશંકર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. અને જામનગર જિલ્લાના તમામ આરોગ્ય તંત્રને તેમજ પોલીસ તંત્ર ને બોલાવી લેવાયા હતા. અને સમગ્ર ટીમને દોડતી કરી દેવામાં આવી છે.
              કોરોનાવાયરસ ના પોઝીટીવ રિપોર્ટ વાળા બાળકના માતા પિતા કે જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી જામનગર નજીકના દરેડ માં એક રૂમ ભાડે રાખીને રહે છે. બાળકના કાકા પણ તેની સાથે જ રહે છે, અને ચાર વ્યક્તિના પરિવારમાં નાના બાળકને કોરોનાવાયરસના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે સમગ્ર પરિવાર ની વિદેશ પ્રવાસ અથવા તો બીજા રાજ્યની હાલમાં કોઈ ટ્રાવેલની હિસ્ટ્રી જાણવા મળી નથી.
 બાળકના પિતા કે જેઓ દરેડ નજીક આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરે છે જે કારખાનું ૨૦ તારીખથી બંધ છે. અને પોતે પરિવાર સાથે ઘરમાં જ રહે છે ત્યારે બાળકને કોરોનાવાયરસનું સંક્રમણ ક્યાંથી લાગ્યું, અથવા અન્ય કોઈ સંક્રમિત  છે કે કેમ? તે સમગ્ર હકીકત જાણવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
 હાલ બાળકના માતા-પિતા અને કાકાને જી.જી.હોસ્પિટલમાં જ કોરોન્ટાઈન  કરી દેવાયા છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે તમામ બોર્ડર ઉપર પોલીસ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. આસપાસના કોઈપણ શ્રમિકો વિસ્તારમાંથી બહાર નીકળે અથવા તો બહારના કોઈ લોકો વિસ્તારમાં ન   આવી શકે તે બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા છે.
          પોલીસ તંત્રની જુદી-જુદી ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં માઇક દ્વારા જાહેરાત કરી પ્રત્યેક લોકોને પોતાના ઘરની અંદર જ રહેવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. આરોગ્ય તંત્રની ટીમ સમગ્ર વિસ્તારમાં જરૂરી ચાપતા પગલાં ભરવા માટે દોડતી થઈ ગઈ છે.
 જામનગર મહાનગરપાલિકા ની આરોગ્યની ટીમ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીની ટુકડી દરેડ વિસ્તારમાં કામગીરીમાં જોડાઇ ગઇ છે.

(7:33 pm IST)