Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

કચ્છમાં લોકડાઉનને પગલે ખેડૂતોની દશા બેઠી : દાડમનો પાક બજારમાં આવી શકશે નહિ : ટન બંધ દાડમ ઝાડ પર લટકે છે તો ટન બંધ દાડમ પેકીંગ માટે પડયા છે : મજુરો મળતા ન હોય કરોડો રૂપિયાના દાડમ સડવા લાગશે

કોરોના વાયરસ (corona virus) ની મહામારી હાલ સમગ્ર દેશમાં ફેલાઈ છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું lockdown જાહેર કર્યું છે. જેના લીધે ગુજરાત રાજ્યની અને જિલ્લાની સરહદો પણ સીલ કરી દેવાઈ છે. લોકોના અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા ગામે ઝી 24 કલાકે લોકડાઉન વચ્ચે ખેડૂતોનો અહેવાલ મેળવ્યો હતો. નખત્રાણા તાલુકો બાગાયતી ખેતીનું હબ ગણાય છે. અહીં 10 કિલોમીટરની ત્રિજ્યામાં મોટી માત્રામાં દાડમ (pomegranate) નું વાવેતર કરવામાં આવ્યું છે. હજારો ટન દાડમનો પાક થયો છે. પરંતુ ઈમરજન્સી અને પ્રતિબંધને કારણે ખેડૂતોનો દાડમનો તૈયાર પાક એકાદ અઠવાડિયા બાદ સડવા માંડશે એવી ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે.

ખેડૂતોએ લોકડાઉનને આવકાર્યું છે, પણ સાથે જ પોતાની વ્યથા પણ વર્ણવી હતી. કોઈ ખેડૂતોના 50 ટન કે કોઈના 100 ટન દાડમ ક્યાંક ઝાડ પર તો ક્યાંક પેકિંગમાં અટવાયા છે. અંદાજે 4-5 હજાર ટન દાડમ હાલ નખત્રાણા વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. લાખોનો ખર્ચ કરી, ખાતર દવા અને વર્ષની મહેનત બાદ પાક તૈયા કર્યો, ત્યાં લેવાલી નથી. માલ હાજર હોવા પછી પણ પરેશાની થઈ રહી છે. આમ ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

આ તૈયાર દાડમના પાકને બજાર સુધી પહોંચવા માટે પેકિંગ કરવાનું હોય છે. જેના માટે સ્પેશિયલ મજૂરોની જરૂર હોય છે. પરંતુ આ મજૂરોને લઈ આવવા કે લઈ જવા માટે રસ્તામાં તકલીફ પડતી હોવાની પણ વાત ખેડૂતોએ કરી હતી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડથી દાડમના પેકિંગ માટે મજૂર પરિવારો વાડી વિસ્તારમાં રહેતા હોય છે. તો ક્યાંક ભૂજ અને ગાંધીધામથી પણ મજૂરોને લઈ આવવા પડે છે. જેમાં હાલ મુશ્કેલી પડી રહી છે.

અત્યાર સુધી તો કચ્છની દાડમ બેંગ્લોર, ચેન્નાઇ, મુંબઇ અને ઉત્તરપ્રદેશ સુધી પહોંચી જાય છે. પરંતુ હાલ લોકડાઉનના કારણે અને ખરીદી ઓછી થવાથી 80 -100 રૂપિયાના ભાવે વેચાતાં દાડમ 40-50 રૂપિયે પણ ખરીદી નથી થતી.

APMCની યોગ્ય વ્યવસ્થા કરાય એવી પણ માંગ હાલ ખેડૂતો કરી રહ્યાં છે. જો હજારો ટન દાડમના વેચાણ વ્યવસ્થા ના ગોઠવાય તો ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ જશે એવી ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે.

(12:12 pm IST)