Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

બુધવારે સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિતે વિશેષ કાર્યક્રમઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

યાત્રિકો - દર્શનાર્થીઓનું માન - સન્માન - શ્રધ્ધા જળવાય તેવી વ્યવસ્થાને આખરી ઓપ

(દિપક કકકડ - મીનાક્ષી ભાસ્કર  વૈદ્ય દ્વારા) વેરાવળ - પ્રભાસપાટણ તા.પ : સોમનાથ મહાદેવ મંદિરે આગામી તા.૧૧ના રોજ મહાશિવરાત્રી નિમિતે ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

શિવરાત્રી નિમિતે તા.૧૧ના મંદિર સવારે ૪ વાગ્યે ખુલશે અને બીજા દિવસે એટલે કે તા.૧રના રાત્રીના ૧૦ વાગ્યે દર્શન બંધ થશે. આમ સતત ૪ર કલાક સુધી ભાવિકો દર્શન - પુજા - અનુષ્ઠાનનો લાભ પ્રાપ્ત કરી શકશે. મહાશિવરાત્રી નિમિતે મંદિર પર ધ્વજારોહણ ચાર પ્રહર પુજા, મહામૃત્યુંજય જાપ, અનુષ્ઠાનો, સંખ્યા શણગાર, દીપમાળા, વીજરોશની તથા દર્શનાર્થે આવતા ભાવિકો માટે ચાર થી પાંચ વિનામૂલ્યે ભોજન પ્રસાદ, ભંડારા, સાગર ઓડીટેરીયમ ખાતે શિવકથા, મહિલા વિકાસ સંસ્થા દ્વારા કલા કારીગીરી વસ્તુઓનું પ્રદર્શન વેચાણ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ભગવાન ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા કવચના નાયબ પોલીસવડા એમ.ડી. ઉપાધ્યાયે શિવરાત્રી પોલીસ બંદોબસ્તને આખરી ઓપ આપી દીધો છે.

સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના ડી.વાય.એસ.પી. ઉપાધ્યાય કહે છે મંદિર ઝેડ  પ્લસ હોવાથી જડબેસલાક બંદોબસ્ત વ્યવસ્થા સાથો સાથ યાત્રિકો - દર્શનાર્થીઓનું માન સન્માન શ્રધ્ધા જળવાય તેવી વ્યવસ્થાને લગભગ આખરી ઓપ આપી દેવાયો છે.

શિવરાત્રી બંદોબસ્તમાં ૧ ડીવાયએસપી, ૧ પીએસઆઇ, ૪પ પોલીસ જવાન, ૯૦ જીઆરડી જેમાં ૪૦ મહિલા અને પ૦ જેન્ટસ, એસ.આર.પી.નું એક કંપની આ ઉપરાંત વધુ ૩ પીઆઇ, ૩ પીએસઆઇ, ૩૦ પોલીસ જવાન જેમાં ૧૦ મહિલા અને ર૦ જેન્ટસની માંગણી મુકાઇ ચુકી છે જે કાર્યવાહી ગતિમાં છે. દર્શનાર્થીઓના પ્રવેશ અને બહાર નીકળવાના અલગ અલગ પોઇન્ટસ આપવામાં આવ્યા છે. ત્રણ લેયર ચેકિંગ સ્કવોડ ખડેપગે રહેશે જેમાં ૧૦ એચ.એચ.એમ.ડી. એટલે કે હેન્ડ મેટલ ડીરેકટર દ્વારા તથા ર ડીએફએમડી એટલે કે ડોર ફ્રેમ મેટલ ડીટેકટર દ્વારા દર્શનાર્થીઓની તપાસણી બાદ મંદિર પ્રવેશ કરાવાશે.

સમગ્ર મંદિર પરિસર સંકુલમાં સી.સી.ટીવી તીસરી આંખની બાજ નજર પોલીસ કંટ્રોલના સ્ક્રીન ઉપર અંકિત વિવિધ ફ્રેમોથી થતી રહેશે.

૬ ઘોડેશ્વાર પોલીસ દળ મંદિર રાઉન્ડ વિસ્તારમાં તથા ૧ પીસીઆર વાન ગીતા મંદિરથી સોમનાથ વીવીઆઇપી ગેસ્ટ હાઉસ સુધી રાઉન્ડ ધ કલોક પોલીસ જવાનો સાથે પેટ્રોલીંંગ કરતુ રહેશે.

૧ ડોગ સ્કવોડ, બી.ડી.એસ. ટીમ, કયુઆરટીટીમ, સતત ખડેપગે રહેશે. જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી તથા વિજયસિંહ ચાવડાના સંકલન સાથે  સોમનાથ મંદિર સુરક્ષા ચક્ર પોલીસદળ કાયદો - વ્યવસ્થા જળવાઇ રહે યાત્રિકોની સલામતી જળવાઇ રહે યાત્રિકોની સલામતી જળવાઇ રહે તેવો બંદોબસ્ત આયોજન કરાયેલ છે.સોમનાથ મંદિર પાસે પાર્કિગ ચેકિંગ ચોકી તથા એસ.ટી. ડેપો પાસે બેરીકેટ વાહન ચેકિંગ અને પ્રવેશ નિયંત્રણ વ્યવસ્થા આ દિવસોમાં સર્તક સજાગ કરવામાં આવેલ છે.

(11:58 am IST)
  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST

  • આવતીકાલે પણ સંતો - મહંતોની મીટીંગ : આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો બંધ રાખવાના મામલે સાધુ સંતોમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે આ મામલે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે ફરી સાધુ સંતોની મીટીંગ મળનાર છે. જેમાં વેપારી એસોસીએશન, પાથરણાવાળા વિ. આ મીટીંગમાં જોડાશે અને શિવરાત્રીનો મેળો બંધ રાખવા મામલે વિરોધ વ્યકત કરશે. access_time 2:33 pm IST

  • સિડનીમાં શીખો પર હુમલો :કૃષિ કાયદાના વિવાદ કારણભૂત : ભારતના કૃષિ કાયદાને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે મતભેદો વધ્યા :સિડનીના કેટલાક લોકોએ બેસબોલ અને ધોકાથી હુમલો કર્યો : સિડનીના હેરિસ પાર્કમાં અજાણ્યા લોકોના જૂથે બેઝબોલ બેટ, લાકડીઓ અને ધણ સાથે વાહન પર હુમલો કર્યો હતો access_time 12:57 am IST