Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જોગસ પાર્ક ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા રાજ્યપાલ

પગપાળા દોઢ કિલોમીટર જેટલુ અંતર ચાલી ભાવનગરવાસીઓને મળ્યાં

ભાવનગર તા.૫: રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે અલંગની મુલાકાત લીધા બાદ વાદ્યાવાડી રોડ પર આવેલ જોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. રાજયપાલશ્રી સાથે સાફ સફાઈ દરમ્યાન તેમના ધર્મપત્નિ પણ જોડાયા હતા. રાજયપાલશ્રીએ આ તકે સૌને સ્વચ્છતાનો આગ્રહ વ્યકત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા થકી સમગ્ર દેશ સ્વસ્થ અને પવિત્ર બનશે. રાજયપાલશ્રીએ દરેક નાગરિકોને સ્વચ્છતાની સાથે સાથે વ્યસનમુકત થવા, પાણીનો બચાવ કરવા, પર્યાવરણની જાળવણી કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કર્યો હતો.

રાજયપાલશ્રીએ ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ૧૫ થી વધુ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમના દ્વારા ઉત્પાદિત થતા પ્રાકૃતિક ફળો, શાકભાજી, ધાન્ય પાકો વગેરે રસપૂર્વક નિહાળ્યા હતા અને તેમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

ત્યારબાદ રાજયપાલશ્રી ભાવનગરની વાદ્યાવાડી રોડ સ્થિત એચ.ડી.એફ.સી.બેન્કથી સંત કંવરરામ ચોક થઈ માધવ દર્શન ચોક સુધીનું આશરે દોઢ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલ્યા હતા અને માર્ગમાં આવતા વેપારીઓ તથા નાગરિકોની સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો.

(10:39 am IST)