Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પટેલ કેળવણી મંડળના પ્રણેતા તેમજ પાટીદાર રત્‍ન, પૂર્વ સાંસદ અને માજી સિંચાઇ મંત્રી

મો.લા. પટેલનું અવસાન : બપોર બાદ અંતિમ સંસ્‍કાર

યોગાનુયોગ આજે તેમનો જન્‍મ દિવસ પણ હતો : જીવનપર્યંત પ્રવૃત્તિશીલ રહી સમાજની કરી સેવા : ૯૦ વર્ષની વયે વિદાય લીધી : યુવાનને પણ શરમાવે એવી સ્‍ફૂર્તિ હતી

તસ્‍વીરમાં નરેન્‍દ્રભાઇ મોદી સાથે મો.લા. પટેલ નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૫ : પાટીદાર રત્‍ન, પૂર્વ સાંસદ અને માજી સિંચાઇ મંત્રી મોહનભાઇ લાલજીભાઇ પટેલ (મો.લા. પટેલ)નું આજે સવારે નિધન થતાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

૯૦ વર્ષની વયે મોહનભાઇ પટેલે નાદુરસ્‍ત તબિયતને લઇને અંતિમ શ્વાસ લીધા હતા. મો.લા. પટેલના હુલામણા નામથી જાણીતા મોહનભાઇ પટેલના નિધનનાં સમાચાર મળતા મેયર ધીરૂભાઇ ગોહેલ, અગ્રણી સંજયભાઇ કોરડીયા વગેરે તેમના નિવાસસ્‍થાને દોડી ગયા હતા.

મો.લા.પટેલ તેમની પાછળ પત્‍ની કાંતાબેન, પુત્ર કલ્‍પેશભાઇ, પુત્રીઓ ભાવનાબેન ધીરેનકુમાર કાસુન્‍દ્રા (અમેરિકા), શોભનાબેન ધીરેનકુમાર જાગાણી (રાજકોટ), અંજનાબેન હર્ષદકુમાર સાપરિયા (અમેરિકા), પુત્રવધૂ આરતીબેન કલ્‍પેશભાઇ પટેલ તેમજ દોહિત્ર કુશ વગેરેને વિલાપ કરતા છોડી ગયા છે.

ઉપલેટાના કોલકી ગામે જન્‍મેલા મો.લા. પટેલે આઝાદીના સમયે જ રાજકીય, સામાજીક, સેવાકીય ક્ષેત્રે પ્રવેશ કરીને જીવનપર્યંત વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહેલ. તેઓ બે વખત સાંસદ તરીકે ચુંટાય આવેલ અને રાજ્‍યના પૂર્વ સિંચાઇ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા મો.લા. પટેલે જુનાગઢના નગરસેવક તરીકે સેવા આપી હતી.

તેઓનો જન્‍મ પાંચ માર્ચ ૧૯૩૩ના રોજ થયેલ અને આજે તેઓએ જન્‍મદિને જ વિદાય લેતા પરિવારજનો સહિતના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે.

તેઓએ જૂનાગઢ આવી કંઇક કરી છુટવાની ભાવના સામે પાટીદાર સમાજનું સંગઠન કરી જ્ઞાતિ પ્રત્‍યે ગામડાઓના અભણ માતા - પિતાના બાળકોને શિક્ષણ આપવા પટેલ કેળવણી મંડળની ૫૦ વર્ષ પૂર્વે સ્‍થાપના કરેલ. જેમાં તેઓ જીવનની અંતિમ ક્ષણ સુધી સેવારત રહ્યા.

કેજીથી લઇ તમામ પ્રકારની કોલેજ સુધી દિકરીઓ માટે આશિર્વાદરૂપ કામગીરી કરી તેઓએ ૯૦ વર્ષે વિદાય લીધી ત્‍યાં સુધી યુવાનને પણ શરમાવે તેવી સ્‍ફૂર્તિ તેઓની રહી હતી.

બે બે વખત સાંસદ રહી રેલવે સહિતના પ્રશ્નો ઉકેલ્‍યા બાદ ગુજરાત સરકારના મંત્રી પદે રહ્યા અને ત્‍યારના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીની સરકારે પણ દિકરીઓની યોજનાની લાગણીને સ્‍વીકારી હતી.

પાટીદાર રત્‍નથી સન્‍માનીત મો.લા. પટેલે કારમા દુષ્‍કાળ વખતે સોરઠ સેવા સમિતિની રચના કરીને અબોલ પશુઓના જીવ બચાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા.

ખાદીગ્રામોદ્યોગ (ખાદી ભંડાર-જૂનાગઢ)ના આજીવન પ્રમુખ રહેલા મો.લા.પટેલ અનેક સેવાભાવી, સામાજીક, સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા હતા.

રાજકીય ઘરોબો ધરાવતા મો.લા. પટેલનો પાર્થિવ દેહ આજે બપોરના બે થી ચાર દરમિયાન જૂનાગઢમાં મોતીબાગ સામે આવેલ પટેલ કેળવણી મંડળ સંસ્‍થા ખાતે અંતિમદર્શન માટે રાખવામાં આવશે.

આ પછી તેમના જૂનાગઢમાં ખામધ્રોળ ચોકડી સ્‍થિત ફાર્મ ખાતે માત્ર પરિવારજનોની હાજરીમાં મો.લા. પટેલના અંતિમ સંસ્‍કાર થશે.

(12:21 pm IST)
  • રાજ્યોમાં દેશના ૮૪% નવા કોરોના કેસ નોંધાયા : ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે : મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત. access_time 4:38 pm IST

  • હેરંબા ઇન્ડ.નું બમ્પર લીસ્ટીંગ : ૧ લોટ પર રૂ. ૬ર૮૦નો ફાયદો :મુંબઇ : કેમીકલ કંપની હેરંબા ઇન્ડ. નું બમ્પર લીસ્ટીંગ : ઇસ્યુ પ્રાઇઝના ૪૩.પ૯ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ : શેર ૯૦૦ ના ભાવે લીસ્ટ થયો : નિવેશકોને પ્રતિ લોટ રૂ. ૬ર૭૯ નો ફાયદો : ઇસ્યુ પ્રાઇઝ ૬ર૬-૬ર૭ રૂ. હતી. access_time 12:55 pm IST

  • દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એકિટવ કેસમાં પણ વધારો : રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૧૬,૮૨૪ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા ૧,૧૧,૭૩,૫૭૨ થઇ : એકિટવ કેસ ૧,૭૩,૩૬૪ થયા વધુ ૧૩,૭૮૮ દર્દીઓ સ્વસ્થ થતાં કુલ ૧,૦૮,૩૮,૦૨૧ થયા : વધુ ૧૧૩ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૭,૫૮૪ થયા : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા ૮૯૯૮ નવા કેસ નોંધાયા access_time 2:33 pm IST