Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કચ્છના મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં પી.આઇ.જે.એ. પઢિયારની જામીન અરજી રદ

સમાઘોઘાના બે ગઢવી યુવાનોના મોતમાં હજીયે ચાર પોલીસ કર્મીઓ ફરાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૫:  સમગ્ર કચ્છ સહિત રાજયભરમાં ચકચાર અને ચર્ચા સર્જનાર મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં પી.આઇ. જે.એ. પઢિયારની જામીન અરજી ભુજ કોર્ટે રદ્દ કરી છે. સમાઘોઘા ગામના બે ગઢવી યુવાનોની ગેરકાયદે અટક કરીને તેમને પોલીસ કસ્ટડીમાં રખાયા હતા.

ચોરીના આરોપસર રખાયેલા આ યુવાનોને પોલીસ કર્મીઓએ કસ્ટડીમાં શારીરિક ત્રાસ આપતાં બે યુવાનોના મોત નિપજયા હતા. આ પ્રકરણમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એ. પઢિયારને સસપેન્ડ કરી તેમની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરાયા હતા. દરમ્યાન તેમણે ભુજની સેશન્સ કોર્ટમાં કરેલ જામીન અરજી અધિક સેશન્સ જજે રદ્દ કરી હતી.

સુનાવણીમાં પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે. એન. પંચાલે ૨૦ પાનાનુ સોગંદનામું રજૂ કર્યું હતું. જયારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ પોલીસ સ્ટેશનના વડા તરીકે પોલીસ સ્ટેશનની અંદર બનતી તમામ ઘટનાઓ અંગે પીઆઈ ની જવાબદારી ગણાવી જામીન આપવા સામે દલીલો કરી હતી. જયારે ફરિયાદ પક્ષે કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રી દેવરાજ ગઢવીએ સાત સાત દિવસ પોલીસ કસ્ટડીમાં રખાયેલા વ્યકિતઓ વિશે પીઆઈ ને જાણ ન હોય એ હકીકત માની ન શકાય તેવી ગણાવી હતી. તો, પોલીસ સ્ટેશનની અંદર થતી પ્રત્યેક ઘટનાની નોંધ પીઆઈએ રાખવાની હોય છે એવું જણાવી આ બનાવમાં પીઆઈનું માનસ ગુનાહિત હોવાનું જણાવી જામીન અરજી સામે કાયદાકીય રજૂઆતો કરી હતી.

આ રજૂઆતમાં ધારાશાસ્ત્રીઓ પી.આર. ગઢવી, આર.એસ. ગઢવી, એચ. કે. ગઢવી, ગઢવી સમાજના અન્ય ધારાશાસ્ત્રીઓ સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા જોડાયા હતા. જોકે, આ કેસમાં હજીયે ચાર પોલીસ કર્મીઓ ફરાર છે.

(10:35 am IST)