Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

સાંજથી મોરબીમાં રાષ્ટ્રીય હસ્તકલા મેળો

વાંકાનેર,મોરબી,માળિયા પંથકના લોકોને જોવા જાણવાની અને માણવાની તકઃ ૨૦૦થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-વેચાણઃ પ્રવેશ-પાર્કીગ વિનામૂલ્યેઃ કુટિર ઉદ્યોગ કમિશનર એ.કે. રાકેશના હસ્તે ઉદ્ઘાટનઃ સૌને લાભ લેવા માટે ઇન્ડેક્ષ્ટ-સી.ના કાર્યવાહક નિયામક પી.જી.પટેલનું નિમંત્રણ

ગાંધીનગર તા.૫: ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોધોગ હસ્તકના કાર્યાન્વિત બોર્ડ કોર્પોરેશન સાથે જોડાયેલ વ્યકિતગત કારીગરો, મંડળીઓ, સંસ્થાઓ, સ્વસહાય જુથ અને કલસ્ટર્સને સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી મોરબી ખાતે જીવંત નિદર્શન, પ્રદર્શન સહ વેચાણ મેળાનું ભવ્ય આયોજન કરેલ છે. મેળાનુ સ્થળ એલ.ઇ.કોલેજ ક્રિકેટ મેદાન રહેશે.

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા ''રાષ્ટ્રીય હસ્તકલા મેળો-૨૦૧૮'', એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબીમાં તા.૫ થી તા.૧૧ માર્ચ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, પટોળા, કચ્છી ભરત, પેન્ટીંગ, નખથી બનાવેલ ચિત્રો, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, હાથ બનાવટના ચંપલ, અકીકની આઇટમો, માટીન વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે વુડન વોલપીસ, ચામડાના રમકડા, ગૃહઉદ્યોગ, હાથશાળ તથા હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનુ કારીગરો દ્વારા પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.

મેળામાં હાથશાળ-હસ્તકલાનાં રાજય તથા રાજ્ય બહાર ૨૪૦ થી વધુ કારીગરો પ્રદર્શન સહ વેચાણ માટે ભાગ લેનાર છે. જેમાં મહિલા આર્થિક વિકાસ નિગમનાં મહિલા કારીગરો, સંસ્થા તથા સ્વ-સહાય જૂથ્થોનાં કારીગરોનો પણ આયોજનમાં સમાવેશ કરેલ છે. તેમજ મેળામાં હાથશાળ-હસ્તકલાનાં રાજ્યના ૨૦ થી વધુ કારીગરો દ્વારા જીવંત નિદર્શન કરવામાં આવનાર છે.

મેળાનાં મુલાકાતીઓનું કચ્છીઘોડીથી સ્વાગત, સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકો માટે કટપુતળી-પપેટ શો, રાવણ હથ્થા-ઢોલકવાદકનું લોકસંગીત તથા ખાણી-પીણી માટેના સ્ટોલનો આનંદ મુલાકાતિઓ માંણી શકશે. મેળામાં પાકીઁગ તથા પ્રવેશ વિનામૂલ્યે છે.

આ ''રાષ્ટ્રીય હસ્તકલા મેળો-૨૦૧૮'', એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી મેળાનું ઉદ્ઘાટન કુટીર અને ગ્રામોદ્યોગનાં અગ્રસચિવ અને કમિશનરશ્રી એ.કે. રાકેશના હસ્તે આજે સાંજેના ૫-૩૦ કલાકે રાખેલ છે. મેળાનાં અતિથી વિશેષ જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલહિં રાઠોડ  ઉપસ્થિત રહેનાર છે. મોરબીની કલાપ્રેમી જનતાને કુટિર હસ્તકલા મેળાની મુલાકાત લઇ હાથશાળ-હસ્તકલાની વિવિધ ક્રાફટ વિશે જાણકારી મેળવવા, કારીગરો પાસેથી સીધી ખરીદીની તક ઝડપી કારીગરોને પ્રોત્સાહિત કરવા  તેમજ મનોરંજનનો આનંદ માંણવા ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી પી.જી. પટેલએ આમંત્રણ આપેલ છે.(૧.૩)

(11:53 am IST)