Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'નલ સે જલ' યોજનાની ૫૧ મી સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર : વાસ્મો દ્વારા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦% નળ જોડાણની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં 'નલ સે જલ' યોજના લોન્ચ કરવામાં આવી છે. જેનો ઉદેશ્ય છે કે રાજ્યના ગામડાઓમાં દરેક ઘરે-ઘરે પીવાનું સ્વચ્છ પાણી પહોંચે.

જે અંતર્ગત, કલેકટર કચેરી, જામનગરના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને 'નલ સે જલ' યોજનાની ૫૧ મી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વાસ્મો સંચાલિત જિલ્લા જળ સ્વચ્છતા સમિતિની આગામી કામગીરી વિષે ઉપસ્થિત સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 

બેઠકમાં તાંત્રિક મંજૂરી મળેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાના કાર્યોને વહીવટી બહાલી આપવામાં આવી હતી. જેમાં ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં ઊંચી ટાંકીનું કામ, કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં આંતરિક પાઈપલાઈનનું કામ અને જામનગરમાં નાની માટલી મુકામે આંતરિક પાઈપલાઈનનું કામ, આ કાર્યોનો સમાવેશ થાય છે. તેમજ અન્ય ૩૪ ગામોમાં પણ વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી છે.

અધ્યક્ષ અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના સૂચન અનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણીજન્ય રોગો વિષે જાગૃત કરવામાં આવશે. તેમજ પીવાના પાણીને શુદ્ધ કરવાની ક્લોરિફિકેશન પ્રક્રિયાના અમલીકરણ માટે વાલ્વમેન અને સરપંચઓ માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવશે.  

ઉપરોક્ત બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હારુન એચ. ભાયા, વાસ્મો યુનિટ મેનેજર ભાવિકા બી. જાડેજા, વાસ્મો જિલ્લા કો- ઓર્ડીનેટર દુષ્યંતસિંહ જાડેજા, આરોગ્ય વિભાગ જિલ્લા કો-ઓર્ડીનેટર યજ્ઞેશભાઇ ખારેચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તેમજ અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા

(10:08 pm IST)