Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં અવિરત આરોગ્ય સેવા ઉપલબ્ધ

ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૩૦ લાખથી વધુ દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો:છેલ્લા નવ મહિનામાં ૬૦૦૦ થી વધુ દર્દીઓને ડાયાલિસિસ સારવાર અને ૭૦૦૦ થી વધુ નાના મોટા ઓપરેશન કરવામાં આવ્યાં

દેવભૂમિ દ્વારકા:ઘર આંગણે જ લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળે, રાજ્યનાં પ્રત્યેક ખૂણે વસતાં માનવીને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે હેતુસર તેમના આરોગ્યની કાળજી લેવા માટે રાજ્ય સરકાર સુસજ્જ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એકમાત્ર સૌથી મોટી આરોગ્ય લક્ષી સેવાઓ આપતી જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા ખાતે આવેલી છે. અહી બહારના દર્દીઓની તપાસ (ઓ.પી.ડી), અંદરના દર્દીઓની સારવાર(આઇ.પી.ડી.), ૨૪ * ૭ ઇમરજન્સી સેવાઓ,લેબોરેટરી પરીક્ષણો, એક્સ-રે, ડાયાલીસીસ સેવાઓ, ફિઝીયોથેરાપી, ૨૪ * ૭ પ્રસુતી સેવાઓ, ૨૪*૭ બ્લડ બેંક અને ઓપરેશન થીયેટર ઉપલબ્ધ છે.

 જનરલ હોસ્પિટલ, જામ- ખંભાલીયા ખાતે એપ્રીલ-૨૦૨૨ થી ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં બહારના દર્દીઓ(ઓ.પી.ડી.) - ૧૩૦૮૬૯, અંદરના દર્દીઓ(આઇ.પી.ડી.) - ૨૯૯૨૫, લેબોરેટરી પરીક્ષણો - ૨૮૭૯૪૮, એક્સ-રે -૮૦૩૧, ડાયાલીસીસ - ૬૨૭૨, ફિઝીયોથેરાપી-૭૩૪૯, નોર્મલ પ્રસૂતિ - ૧૦૨૭, સીઝેરીયન -૨૬૬,બ્લડ ટ્રાન્ફયુઝન - ૨૧૯૬ તેમજ મેજર સર્જરી - ૨૭૮૪ અને માઇનોર સર્જરી - ૫૦૨૩ જેવી આરોગ્ય લક્ષી સેવાઓ જરૂરીયાતમંદ દર્દીઓને આપવામાં આવી છે.

    ઉપરાંત રાજ્યના દરેક ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબને નિયત માપદંડો પ્રમાણે આરોગ્ય વિષયક સેવાઓ દર્દીઓને સરળતાથી સત્વરે મળી શકે તે માટે પ્રધામંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે. એ.વાય) શરૂ કરી છે. આ યોજના અંતર્ગત જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે માહે એપ્રીલ - ૨૦૨૨ થી ડિસેમ્બર - ૨૦૨૨ સુધીમાં કુલ-૨૫૪૫ લાભાર્થીઓને આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ બનાવી આપવામાં આવેલ છે. તેમજ જન્મ જાત પગની ખોડ ખાપણવાળા નવજાત બાળકોની સારવાર માટે નિ:શુલ્ક રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંર્તગત ક્લબ ફુટ ક્લીનીક કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં બાળકોનું નિદાન કરી જરૂરિયાત મુજબની સારવાર કરવામાં આવે છે. હાલમાં ૯ બાળકોની ક્લબ ફુટ કલીનિકમાં સારવાર કરવામાં આવી રહી છે.

 સરકાર દ્વારા જાહેર કરાયેલ કોવીડ-૧૯ પેન્ડામીકની અસરોની પહોંચી વળવા સંસ્થા ખાતે હાલ ૧૫૦ પથારીની અલાયદી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ૦૨ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે તેમજ તમામ પથારીઓ પર ઓક્સિજન સુવાધા પ્રાપ્ત છે.૪૯ વેન્ટીલેટર પણ ચકાસીને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જરૂરીયાત મુજબનો દવાનો જથ્થો પણ હાજર રાખવામાં આવ્યો છે. તેમ અધિક્ષક, જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયાએ જણાવ્યું છે.

(12:22 am IST)