Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કોટડાસાંગાણીના જૂના રાજપીપળાના શૈલેષ કોળીની હત્યામાં ભુવા સહિત ૬ શખ્સો ૮ દિ'ના રીમાન્ડ પર

રાજકોટ, તા. ૫ :. ગત તા. ૧ના રોજ જસદણના કાનપર ગામ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે કોટડાસાંગાણીના જૂના રાજપીપળા ગામનાં શૈલેષ કોળીની હત્યામાં પકડાયેલ ભુવા સહિત ૬ શખ્સોને કોર્ટે ૮ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના જૂના રાજપીપળા ગામે રહી ટેમ્પો ચલાવતા શૈલેષ અરજણભાઈ ડાભી જાતે કોળીની જસદણના કાનપર ગામ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ગત તા. ૧ ના રોજ હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.

રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સીધી દેખરેખ હેઠળ જીલ્લા એસ.ઓ.જી., એલ.સી.બી., આટકોટ પોલીસ સહિત જુદી જુદી ટીમો બનાવી દરેક પાસા જીણવટભરી તપાસી આ હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યા કરનાર ભુવા કેશુ જીવા રોજાસરા (ઉ.વ. ૫૩, રહે. જૂના રાજપીપળા), જીવન શંભુ પારખીયા પટેલ (ઉ.વ. ૪૫, રહે. બાડપર), પપ્પુ રામસંગ વસુનીયા આદીવાસી (ઉ.વ. ૩૪, રહે. જાંબુઆ), વિકાસ તોલીયા (ઉ.વ. ૨૧, આદીવાસી), પંકજ રામસંગ વસુનીયા (ઉ.વ. ૧૬ આદિવાસી, રહે. મધ્યપ્રદેશ)ના જાંબુઆને ઝડપી લીધા હતા.

આ બનાવના કારણમાં આરોપી કેશુ જીવા કોળીની પત્નિ સાથે મૃતક શૈલેષને આડા સંબંધ હોવાની જાણ કેશુને થતા તેણે પોતાના મિત્ર જીવણને વાત કરી મદદ કરવાનું કહ્યુ હતુ, કેશુ પોતે માતાજીનો ભુવો હોય અને આદિવાસી મજુરો તેની પાસે ધાર્મિક વિધિ કરાવવા આવતા હોય બાકીના આરોપી આદિવાસી સહિત બધાએ ભેગા મળી પૂર્વયોજીત કાવત્રુ ઘડી શૈલેષનું છોટા હાથી ભાડે કરી કાનપર - સાણથલી રોડ ઉપર લઈ જઈ આંખમાં મરચાની ભુક્કી છાંટી તમામ આરોપીઓએ ભેગા મળી શૈલેષને દોરી વડે ગળેફાંસો આપી હત્યા કરી નાસી છૂટયાનું ખુલ્યુ હતું. પકડાયેલ તમામ આરોપીઓને આટકોટના પી.એસ.આઈ. બી.એફ. ચૌધરીએ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૮ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

આટકોટ પોલીસે પૂર્વયોજીત આ હત્યાના બનાવ અંગે આરોપીઓ પાસે રીહર્સલ કરાવવા તથા હત્યામાં વપરાયેલ સાધનો કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.(૨-૧૦)

(11:43 am IST)