Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સુરેન્‍દ્રનગરમાં દારૂડિયા પતિ દ્વારા પત્‍નીને જીવતી સળગાવવાનો પ્રયાસ

વઢવાણ તા. ૫ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં મહિલા, સગીરા અને પરણિતા પર અત્‍યાચારના બનાવો વધી રહ્યા છે ત્‍યારે શહેરને મેલડીપરા વિસ્‍તારમાં રહેતા પતિ સંતોષભાઈ દેવીપૂજક અવારનવાર દારૂ પી ને પત્‍નીને મારમારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. દારૂનું વ્‍યસન પરિવારમાં ઝઘડાનું કારણ બનતું હોય પત્‍ની સહીત પરિવારજનો ત્રસ્‍ત બની ગયા હતા ત્‍યારે પતિ સંતોષભાઈ ઘેર આવી પત્‍ની તનુજા પાસે દારૂ પીવા રૂપિયાની માંગ કરતા બંને વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થતા પતિ સંતોષભાઈએ ઉશ્‍કેરાઈ પત્‍ની પર કેરોસીન છાંટી આગ ચાંપી દેતા દોડધામ મચી ગઈ હતી. જો કે પત્‍નીને સળગતા જોઈ દારૂડિયા પતિને અચાનક ભાન આવતા ગોદડા વડે આગ ઓલવી જાતે જ પત્‍નીને સારવાર અર્થે હોસ્‍પિટલએ લઇ ગયો હતો. ભોગ બનનાર પત્‍ની સરકારી હોસ્‍પિટલના બર્નિંગ વોર્ડમાં સારવાર લઇ રહી છે. જયારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવા છતાં શહેરના અનેક વિસ્‍તારોમાં ઈંગ્‍લીશ તેમજ દેશી દારૂ સહેલાઇથી મળી રહ્યો છે. અનેક વખત રહીશો એ રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. અનેક પરિવારો દારૂના વ્‍યસનને કારણે બરબાદ થઇ રહ્યા છે ત્‍યારે હાલ તો પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે ભોગ બનનાર પત્‍ની શહેરની સરકારી હોસ્‍પિટલમાં જીવન-મરણ વચ્‍ચે ઝોલા ખાઈ રહી છે

(1:46 pm IST)