Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

જસદણના ઇકબાલ કથીરીની કારમાં ફાયરીંગ કરનાર મોહસીનની શોધખોળ

પુત્રીના જન્મની ખુશીમાં બે દિ' પુર્વે જ મોહસીન ઇકબાલ કથીરીના ઘરે પેંડા આપવા ગયો હતો ! મોહસીન પકડાયા બાદ જ સાચુ કારણ બહાર આવશેઃ ફાયરીંગ કરનાર મોહસીન સામે હત્યા સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે

તસ્વીરમાં ઘટનાસ્થળે એકત્ર થયેલ લોકોના ટોળા અને બીજી તસ્વીરમાં કારમાં ફાયરીંગના નિશાનો નજરે પડે છે.(તસ્વીરઃ હુસામુદીન કપાસી)

રાજકોટ તા.પ : જસદણમાં ગઇકાલે ઇકબાલ કથીરીની કારમાં ફાયરીંગ કરનાર નામચીન મોહસીનને પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ઇકબાલભાઇ સાલેહભાઇ કથીરી ગઇકાલે બપોરે ભાદર રોડ પરના પોતાના ઘરેથી કાર નં.જીજેઓ-૩જેસી-૩૭૮૬માં ઇંધણ પુરાવવા નીકળ્યા હતા ત્યારે વિવેકાનંદ મોક્ષધામ નજીકના રસ્તામાં આ કાર પર મોહસીન સિકંદર પઠાણ નામના શખ્સે ૩ રાઉન્ડ ફાયરીંગ કરતા અફડા-તફડી મચી ગઇ હતી. આ ફાયરીંગમાં ઇકબાલભાઇનો આબાદ બચાવ થયો હતો. જેના પર ફાયરીંગ થયુ છે તે ઇકબાલ અગાઉ ગોંડલના નગરપતિ ગોવિંદભાઇ દેસાઇની હત્યાની કોશિષમાં સંડોવાયેલ હતો અને હાલ તે નિવૃત જીવન ગાળી રહ્યો છે. જસદણ પોલીસે ઇકબાલની ફરિયાદ પરથી મોહસીન સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફાયરીંગ કરનાર મોહસીન પઠાણ પણ મુળ જસદણનો છે અને ઇકબાલનો અંગત વિશ્વાસુ માણસ ગણાય છે. તાજેતરમાં મોહસીનને ત્યાં પુત્રીનો જન્મ થતા તે ઇકબાલના ઘેર બે દિવસ પહેલા પેંડા પણ આપી ગયો હતો. મોહસીન સગીર હતો ત્યારે ચારેક વર્ષ પુર્વે જસદણમાં હત્યા કરી હતી ત્યારબાદ તેના પર રાજકોટ, ભાવનગર અને જસદણ પોલીસ મથકમાં અનેક ગુનાઓ નોંધાયા છે.તપાસનીશ અધિકારી અગ્રાવતના જણાવ્યા મુજબ આરોપી મોહસીન પકડાયા બાદ જ ફાયરીંગ કયાં કારણોસર થયુ તે બહાર આવશે. મોહસીનની શોધખોળ હાથ ધરાઇ છે. (૩-૮)

(12:13 pm IST)