Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જામનગરના ભુમાફિયા જયેશ પટેલ ગેંગના સાગ્રીતો વિરૂધ્‍ધ ર૦૦૦ પાનાના પુરાવા ગુજસીટોક અદાલતમાં રજૂ કરાયા

રાજકોટ તા. પ :.. જામનગરના કુખ્‍યાત ભૂમાફીયા જયેશ પટેલ અને તેના સાગરીતો વિરૂધ્‍ધ ગુજસીટોક હેઠળ નોંધાયેલ કેસમાં એપ્રિલ-ર૦ર૧ માં તપાસ પૂર્ણ થયા બાદ ૧૪ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ થયેલ હતું. આ આરોપીઓ સામેની તપાસ પુર્ણ થયા બાદ મુખ્‍ય આરોપી જયેશ પટેલ સહિત ૪ આરોપીઓ ભાગેડૂ જાહેર થયેલ છે તેથી તેઓ વિરૂધ્‍ધની તપાસ ચાલુ છે. આ મુજબની ચાલુ તપાસ દરમ્‍યાન જયેશ પટેલ અને તેના સાગરીતો વિરૂધ્‍ધ વધુ પુરાવાઓ મળતા તપાસનીશ અમલદાર એસ. પી. શ્રી નીતિશ પાંડે એ વધુ ર૦૦૦ પાનાના પુરાવાઓ સ્‍પે. પી. પી. શ્રી એસ. કે. વોરા મારફત ગઇ કાલે સાંજે ૪-૩૦ કલાકે રજૂ કરેલ છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે આશરે ર૦ વર્ષથી ખૂન, ખૂનનો પ્રયાસ, ફોજદારી, જમીન ઘુસણખોરી વિગેરે તમામ પ્રકારના ગુન્‍હાઓમાં સંડોવાયેલ જામનગરના કુખ્‍યાત ભૂમાફીયા જયેશ પટેલ અને તેના સાગરીતો વિરૂધ્‍ધ તા. ૧પ-૧૦-ર૦ર૦ ના રોજ ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલ ગુજસીટોકના કાયદા હેઠળ કેસ નોંધવામાં આવેલ હતો. આ કેસ નોંધાતાની સાથે જ જયેશ પટેલના જામનગર ખાતેના ૧ર સાગરીતોની તાત્‍કાલીક ધરપકડ કરી રાજકોટ ખાતે નિમાયેલ સ્‍પે. જજની કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ મેળવવામાં આવેલ હતાં. ગુજસીટોકના કાયદાની ખાસ જોગવાઇ મુજબ ૬ માસમાં આ તમામ વિરૂધ્‍ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતું. આ સમગ્ર તપાસ દરમ્‍યાન જયેશ પટેલની કોઇ ભાણ મળી શકેલ ન હતી. પરંતુ જુન ર૦ર૧ માં આ ગુન્‍હાઓનો મુખ્‍ય સુત્રધાર જયેશ પટેલ લંડન ખાતે હોવાનું જાણમાં આવતા તેની સામે પ્રર્ત્‍યાપણના કાયદા હેઠળ વિદેશ મંત્રાલય મારફત કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી દરમ્‍યાન જયેશ પટેલ આજીવન કેદની સજા અને ફાંસીની સજા સુધીના ગુન્‍હાઓમાં સંડોવાયેલ હોવાના પુરાવા બ્રિટીશ સરકારને પુરા પાડવામાં આવેલ હતાં. પ્રર્ત્‍યાપણના કાયદા મુજબ ફકત આજીવન કેદ તથા ફાંસીની સજાને  પાત્ર ગુન્‍હાઓ માટે પ્રર્ત્‍યાપણની વિધી સરળ છે. આ મુજબ તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી ત્‍યારે લંડનમાં રહીને જયેશ પટેલે જામનગરના જે જે રહીશો પાસેથી ખંડણીની રકમો મેળવેલ હતી અને જેઓ મારફત આ રકમો જયેશ પટેલને મોકલવામાં આવેલ હતી તેઓની વધુ વિગતો મળી આવેલ. આ ઉપરાંત જયેશ પટેલની સુચના મુજબ જામનગરની જે જે કિંમતી જમીનો મફતના ભાવે જયેશ પટેલે અન્‍યોના નામે ખરીદ કરી લીધેલ હતી તેઓના નામ અને વિગતો મળી આવતા અગાઉ રજુ થયેલ ચાર્જશીટમાં વધારાના પુરાવાઓ તરીકે ગઇ કાલે ખાસ અદાલતમાં ર૦૦૦ પાના રજુ કરવામાં આવેલ હતા. આ પુરાવાઓમાં સાહેદોના વિગતવારના નિવેદનો જેમાં સાહેદોના નામ ગુપ્ત રાખવામાં આવેલ છે. તેમજ આ ભોગ બનનારાઓએ આગડીયા મારફત જયેશ પટેલને મોકલેલ રકમની વિગતો પણ રજુ રાખવામાં આવેલ હતી. આ ઉપરાંત જયેશ પટેલે અન્‍યોના નામે ખરીદ કરેલ જામનગરની  કિંમતી જમીનોના દસ્‍તાવેજો અને જે જમીનો જયેશ પટેલના સાગરીતોના નામે છે તે સરકાર હસ્‍તક જપ્ત કરેલ જમીનોની સંપૂર્ણ વિગતો ખાસ અદાલતમાં રજુ કરવામાં આવેલ હતી.
 જયેશ પટેલના હસ્‍તે ભોગ બનનાર જામનગરના એક નાગરીકે કોર્ટમાં અરજી કરી રજુઆત કરેલ છે કે તેમણે જયેશ પટેલને ખંડણી સ્‍વરૂપે ૪ કરોડ રૂપિયા આપેલ છે જેના પુરાવાઓ પણ તેમણે તપાસનીશ અમલદાર રૂબરૂ રજુ કરેલ હતા આ અરજીના જવાબમાં સંપૂર્ણ વિગતો સાથે તપાસનીશ અમલદારે સ્‍પે પી.પી. એસ.કે.વોરા મારફત વિગતો જાહેર કરેલ હત કે સાહેદોના નિવેદનો અને દસ્‍તાવેજી પુરાવાના આધારે આ નાગરીકે જયેશ પટેલને આંગડીયા મારફત ૪ કરોડની ખંડણી ચુકેલ હોવાનું જણાય આવેલ છે. પરંતુ આરોપીઓ પાસેથી ખંડણીની જે રકમ જપ્ત કરવામાં આવેલ છે તે કુલ ખંડણીની રકમ માહેથી ફકત ૩પ ટકા જ જપ્ત થયેલ છે. આ રીતે આવતીકાલ તા. ૬-૧-ર૦રર ના રોજ થનાર સુનાવણીમાં જામનગર આ ભોગ બનનાર નાગરીકને તેઓએ ચૂકવેલ ખંડણીની રકમમાંથી કેટલી રકમ પરત મળવાપાત્ર છે તે અંગે દલીલો થવા પર છે. આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ અને જામનગરના કેસમાં સ્‍પે. પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે નિમાયેલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલ છે.


 

(3:10 pm IST)