Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ધ્રોલના માણેકપરમાં શ્રમિક યુવાનનો દારૂ પીવાની ટેવ તેમજ આર્થિક સંકડામણના કારણે કુવામાં ઝંપલાવી આપઘાત

ધ્રોલ,તા.૫ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની એવા એક શ્રમિક યુવાને દારૂ પીવાની ટેવના કારણે પોતે આર્થિક સંકળામણ ભોગવતો હોવાથી કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર ના વતની અને હાલ ધ્રોળ તાલુકાના માણેકપર ગામ એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કાલીયા ભાઈ કેંદુભાઇ ચૌહાણ નામના ૩૦ વર્ષના એક યુવાને ગઈકાલે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની ફાયરબ્રિગેડને જાણ કરાતાં, ફાયર શાખાની ટુકડીએ કુવામાં મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપરત કર્યોછે.

ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે મૃતકની પત્ની કુંદી બેન ચૌહાણ નું પોલીસે નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પોતાના પતિ કે જેઓ સંયુકત કુટુંબમાં રહે છે, અને પોતાને દારુ પીવાની ટેવ હોવાથી ઘરમાં આર્થિક સંકળામણ ભોગવતો હતો. જેના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. (સંજય ડાંગર-ધ્રોલ)

(1:02 pm IST)