Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વિસાવદર મીટરગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફેડે જ રોકી દેવાનો કારસો કોના ઇશારે ઘડાઇ રહ્યો છે..? ધારાસભ્ય રિબડીયાનો વેધક સવાલ

મીટરગેજના પાટા ઉખેડી જૂનાગઢ શહેરની એકદમ મધ્યમાં જ આવેલી રેલવેની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરી ષડયંત્ર તો નથી ઘડાઇ રહ્યું ને..? રિબડીયાની ચોંકાવનારી આશંકા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૫ : વિસાવદર તરફથી જૂનાગઢ જતી ટ્રેનોને જૂનાગઢ શહેરની બારોબાર નિર્જન જેવા સ્થળે ગ્રોફેડે જ રોકી ત્યાં જ સબ સ્ટેશન ઉભુ કરવાની આજે તા.૫દ્ગક્નત્ન રોજ ભાવનગર ખાતે સાંજે ૪ વાગ્યે ડીવીઝનલ રેલ્વે મેનેજરએ બેઠક બોલાવી છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય-ચેમ્બર્સ પ્રમુખ સહિતના આગેવાનોએ આ બેઠકનો બહિષ્કાર કરી કોઇપણ કાળે સ્ટેશન સ્થળાંતરનો નિર્ણય સ્વીકાર્ય બનશે નહીં અને જો રેલ્વે કોઇપણના દબાણમા એકતરફી નિર્ણય લેશે તો પ્રચંડ જનઆંદોલન જગાવવાની ચીમકી આપી છે.

દરમિયાન વિસાવદર-ભેંસાણ વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ અમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજાને સ્પર્શતી ચાલું સુવિધામાં આડખીલીરૂપ કોણ બની રહ્યું છે અને વિસાવદર મીટરગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફેડે જ રોકી દેવાનો કારસો કોના ઇશારે ઘડાઇ રહ્યો છે..? તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે.

ધારાસભ્ય રિબડીયાએ ચોંકાવનારી આશંકા એવી પણ વ્યકત કરી છે કે,મીટરગેજના પાટા ઉખેડી જૂનાગઢ શહેરની એકદમ મધ્યમાં જ આવેલી રેલ્વેની કિંમતી જમીન કૌભાંડ આચરી પચાવી પાડવાનુ ષડયંત્ર તો નથી ને..? આ બધી જ શંકા એટલે ઉદભવે છે કે, માત્ર ફાટક મુકત શહેર બનાવવાના ઓઠા તળે અંડરબ્રીજ-ઓવરબ્રીજ કે,અન્ય કોઇ જ વિકલ્પ વિચાર્યા વિના સત્ત્।ાધીશો પ્રજાની લાગણીની ઐસીતૈસી કરીને તઘલઘી નિર્ણય લેવા માટે બેબાકળા બન્યા છે.

વિસાવદરને રેલ્વે દ્વારા થતા અન્યાય સામે વર્ષોથી બંડ પોકારી રહેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઇ કાનાબારે જણાવ્યુ કે,કોરોનાકાળ દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી બંધ કરેલી મીટરગેજ ટ્રેનો પ્રચંડ લોકઆંદોલનના પરિણામે હજુ થોડા જ સમય પહેલાં માંડ ચાલું કરાઇ છે અને તે પણ લોકલ મીટરગેજ ટ્રેનોનાં બદલે સ્પેશિયલ કેટેગરીની ટ્રેનો સ્વરૂપે ચાલું કરાતા મુસાફરો ભાડુ પણ વધુ ચુકવી રહ્યા છે,આમછતાંય પ્રજાએ હાલ પુરતુ સ્વીકારી લીધુ કે,ચાલો ટ્રેનો તો ચાલું થઇ ગઇ..પરંતુ કોઇપણ સબળ કારણ વિના જૂનાગઢ સ્ટેશન સ્થળાંતરનુ નવુ ગતકડું ઉભુ કરી રેલ્વે કોઇ વિશેષ સુવિધા આપવાના બદલે જે સુવિધા ઉપલબ્ધ છે તેમા અસુવિધા ઉભી કરવાના પેંતરા ઉભા કરાઇ રહ્યા છે જે ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજા કોઇપણ કાળે સાંખી લેશે નહીં.રેલ્વે કોઇપણ એકતરફી નિર્ણય લેશે તો સૌને વિશ્વાસમાં લઇ પ્રચંડ જનઆંદોલનનાં મંડાણ કરાશે.જેની સંભવિત તૈયારીઓ અત્યારેથી જ આદરી દીધી છે.આજે રેલ્વેની મીટીંગમાં શુ નિર્ણય લેવામાં આવે છે જેની રાહ જોવાઈ રહી છે.

જૂનાગઢ શહેરને ફાટક મુકત બનાવવાના ઓઠા તળે ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાની પ્રજાની તો ઐસીતૈસી જેવા ઘમંડ સાથે વિસાવદર મીટરગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફેડે જ રોકી દેવાનો કારસો ઘડાઇ રહ્યાનુ હવે તો સ્વયં સ્પષ્ટ થઇ રહ્યુ છે.

આજે તા.૫દ્ગક્નત્ન રોજ બપોરે ૪ વાગ્યે વિસાવદર મીટરગેજ ટ્રેનને જૂનાગઢમાં બારોબાર ગ્રોફેડે જ રોકી ત્યાં જ સ્ટેશન ઉભુ કરવાના મુદ્દે પશ્યિમ રેલ્વે-ભાવનગરનાં ડીવીઝનલ રેલ્વે મેનેજરએ બેઠકનુ આયોજન કરી ચેમ્બર્સ પ્રમુખ-ધારાસભ્ય-આગેવાનોને નિમંત્રિત કરતા ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા,ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર સહિતના આગેવાનો ધુંઆપુંઆ થયા છે અને રેલ્વે દ્વારા બોલાવાયેલ બેઠકનો બહિષ્કાર કરી આ પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સના નેજા તળે પ્રચંડ જનઆંદોલન જગાવવાની તૈયારીઓ આરંભી દીધી છે.

ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયા, વિસાવદર શહેર કોંગ્રેસનાં પ્રમુખ-ટીમ ગબ્બરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોષી સહિતના આગેવાનોએ ડીવીઝનલ રેલ્વે મેનેજર-ભાવનગરને પત્ર પાઠવી વિસાવદર તરફથી જૂનાગઢ જતી ટ્રેનોનુ સ્ટેશન ગ્રોફેડે ઉભુ કરવાની બેઠકનો બહિષ્કાર કરી કોઇપણ કાળે સ્ટેશન સ્થળાંતરનો નિર્ણય સ્વીકાર્ય બનશે નહીં અને જો રેલ્વે કોઇપણના દબાણમાં એકતરફી નિર્ણય લેશે તો પ્રચંડ જનઆંદોલનનાં મંડાણ કરવામાં આવશે.

વિસાવદર તરફથી જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનો વર્ષોથી જૂનાગઢ શહેરના એકમાત્ર રેલ્વે સ્ટેશન પરથી જ આવજા કરે છે,વળી જૂનાગઢ-વિસાવદર વચ્ચે માત્ર સવાર-સાંજ બે જ ટાઇમ ટ્રેન દોડે છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે,રેલ્વેએ ફાટક મુકત શહેર બનાવવા અંડરબ્રીજ-ઓવરબ્રીજ કે,અન્ય કોઇ વિકલ્પ વિચાર્યા વિના પ્રજાની જાન-માલ-સુવિધાની લેશમાત્ર પરવા કર્યા વિના જૂનાગઢ શહેરની બારોબાર નિર્જન જેવા સ્થળે વિસાવદર તરફથી જૂનાગઢ આવતી મીટરગેજ ટ્રેનો માટેનુ નવુ સ્ટેશન ઉભુ કરવાનુ વિચાર્યુ જેના સામે પ્રજામાં ભારે રોષ ઉઠ્યો છે.

વિસાવદર મીટરગેજ ટ્રેન હાલ જૂનાગઢના મુખ્ય સ્ટેશન સુધી જઇ રહી છે જેથી ત્યાંથી જ આગળની ટ્રેનો મળી શકે છે,સહેલાઇથી સમયસર પહોંચી સલામતરીતે બીજી ટ્રેનો પકડી શકાય છે,પરંતુ જો ગ્રોફેડે સ્ટેશન ઉભુ કરાય તો અબાલ-વૃદ્ઘ-મહિલાઓ-બાળકો સહિતના મુસાફરોએ છેક ગ્રોફેડેથી મુખ્ય રેલ્વે સ્ટેશન પર પહોંચતા અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદર તરફથી જૂનાગઢ જતી મીટરગેજ ટ્રેનો અમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાના મુસાફરોને સ્પર્શતી સુવિધા છે.

દરમિયાન ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ જણાવ્યું છે કે,વિસાવદર તરફથી જૂનાગઢ જતી ટ્રેનોને જૂનાગઢ શહેરની બારોબાર રોકી ત્યાં સ્ટેશન ઉભુ કરવાના મુદ્દે જનઆંદોલનમાં તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ,વેરાવળના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા તથા ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ સહિતના આગેવાનોનો સહયોગ મળી રહેશે જે અંગેની રણનીતિ અંગે વિચાર વિમર્શ માટે ચેમ્બર ઓફ કોમર્સ-વિસાવદરના નેજા તળે એક બેઠકનુ પણ આયોજન કરીશું.

ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે જણાવ્યુ કે, કોઇપણ કાળે રેલ્વેનો એકતરફી તઘલઘી નિર્ણય સ્વીકારાશે નહીં અને જનસમર્થન મેળવી આંદોલનના મંડાણ કરીશું.

વિસાવદર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ,સમભાવ મિત્ર મંડળના પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ,વિશ્વ હિંદુ પરિષદના જે.પી.છતાણી,શહેર ભાજપના અગ્રણી હિંમતભાઇ નાનજીભાઇ દવે,જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જીતુભાઇ ધીરૂભાઇ રિબડીયા,લાયન એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઇ રાદડીયા સહિતના આગેવાનોએ જૂનાગઢ મીટરગેજ સ્ટેશન સ્થળાંતરનો વિરોધ કર્યો છે.

એકંદરે રેલ્વેની આજની બેઠકમાં શુ નિર્ણય લેવાય છે એ તરફ સૌની મીટ મંડાઇ છે.પ્રજાની લાગણીને ઉવેખી કંઇ નિર્ણય લેવામાં આવશે તો વધુ એક વખત વિસાવદર ખાતે પ્રચંડ જનઆંદોલન તોળાઇ રહ્યુ છે.

(1:02 pm IST)