Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

લોધીકાના મોટાવડા ગામે રાત્રે બુકાનીધારી લૂંટારૂ ત્રાટકયાઃ ઘરમાં ઘુસી માતા-પુત્રને માર મારી ૧.૮૧ લાખની મત્તાની લૂંટ

ભારતીબેન પરસાણા તથા તેના પુત્ર પારસને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયાઃ દોઢ લાખ રોકડા તથા સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારૂઓ છનન...

તસ્વીરમાં ઈજાગ્રસ્ત માતા-પુત્ર અને જ્યાં લૂંટ થઈ તે ઘર નજરે પડે છે (તસ્વીરઃ બી.એમ. ગોસાઈ-ખીરસરા)

(બી.એમ. ગોસાઈ) ખીરસરા, તા. ૫ :. લોધીકાના મોટાવડા ગામે ગતરાત્રીના બુકાનીધારી લૂંટારૂઓએ ઘરમા ઘુસી માતા-પુત્રને માર મારી દાગીના અને રોકડ મળી ૧.૮૧ લાખની મત્તા લૂંટી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના મોટાવડા ગામે રહેતા દિનેશભાઈ પરસાણાના ઘરમાં ગત રાત્રે ૩ વાગ્યે ૩ બુકાનીધારી લૂંટારૂઓ પાવડા અને પાવડાના હાથા જેવા હથીયારો સાથે ઘુસી જઈ ઘરમાં સુતેલા દિનેશભાઈના પત્નિ ભારતીબેન તથા તેના પુત્ર પારસને માર મારી ઘરમાં રહેલ ૧.૫૦ લાખ રોકડા, સોનાનું ડોકીયુ, સોનાની બુટી એક જોડી તથા ચાંદીના સાંકળા મળી કુલ ૧.૮૧ લાખની મત્તા લૂંટી ગયા હતા.

વહેલી સવારે દિનેશભાઈ પરસાણા વાડીએથી ઘરે આવતા પત્નિ અને પુત્રને ઈજાગ્રસ્ત હાલતમાં જોતા ગ્રામ્યજનોને જાણ કરી હતી અને ઈજાગ્રસ્ત ભારતીબેન તથા તેના પુત્ર પારસને માથામાં ગંભીર ઈજા થયેલ હોય બન્નેને ૧૦૮ મારફતે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ હતા. બનાવની જાણ થતા લોધીકાના પીએસઆઈ કે.કે. જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટાવડા ગામે દિનેશભાઈ તથા તેનો પરિવાર ખેતી કામ કરે છે. ગત રાત્રે દિનેશભાઈ વાડીએ હતા અને પાછળથી ૩ બુકાનીધારી લૂંટારૂઓ ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમા સુતેલા માતા-પુત્ર પર હુમલો કરી રોકડ અને દાગીના લૂંટી ગયા હતા. ઈજાગ્રસ્ત ભારતીબેનનૌ કૌટુંબીક પ્રશાંતભાઈ પરસાણાના જણાવ્યા મુજબ રાત્રે ૩ બુકાનીધારી લૂંટારૂઓ હતા અને તેની પાસે પાવડા સહિતના હથીયારો હતા.

લોધીકા પોલીસે આ બનાવ અંગે ગુન્હો દાખલ કરી ત્રણેય બુકાનીધારી લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.

(3:15 pm IST)