Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ભુજમાં સીઆઇએસએફના હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી ૨.૬૪ લાખની ચોરી

પતિ-પત્ની બંને ભુજ એરપોર્ટમાં નોકરી પર હતા તે દરમિયાન કામવાળીએ હાથ સફાઇ કરી હોવાની ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : વધતાં જતાં ચોરીના બનાવો વચ્ચે ભુજમાં નોકરી કરતાં દંપતીના ઘેર ચોરીનો કિસ્સો નોંધાયો છે.

ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ગીતા કોટેજીસમાં રહેતા સીઆઈએસએફના હેડ કોન્સ્ટેબલ અવિનાશ જગદીશ ખરસંબલે જણાવ્યું હતું કે, તેઓ હાલ ભાડાના મકાનમાં રહે છે. ઘરે બે બાળકો હોવાથી ઘર કામ કરવા માટે આશાપુરાનગરમાં રહેતા રૂકમણી દામજીભાઈ ચૌહાણને કામ અપાયું હતું.

ગત તા. ૧૭-૧૨-૨૦૨૦ના આ દંપતિને બહાર ગામ જવાનું હોવાથી પત્ની શીતલે પોતાના દાગીના ૩ તોલાનો સોનાનો હાર, સોનાની ૧ તોલાની ૨ ચેઈન, ૧ તોલાની ર બુટ્ટી, અડધા તોલાની ૩ વીંટી તથા ૨ હજાર રોકડા રૂપિયા ઘરમાં બેડરૂમમાં પડેલ લોખંડની પેટીમાં પર્સમાં રાખ્યા હતા. આ પેટીમાં કપડાની નીચે પાકિટ રાખવામાં આવ્યું હતું. બહાર ગામ જવા માટે પત્નીએ પેટી ખોલી દાગીના વાળુ પર્સ જોતા હાજર મળી આવ્યું ન હતું.  આખા ઘરમાં તપાસ કરવા છતાં આ પાકિટ મળ્યું ન હતું.

જેમાં આશરે સાડા પાંચ તોલા સોનું કિંમત રૂપિયા ૨.૬૪ લાખનો મુદ્દામાલ હતો. દરમિયાન ઘરમાં માત્ર કામવાળી રૂકમણી જ અવર જવર કરતી હોઈ તેની પુછતાછ કરાઈ હતી. પરંતુ તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો. બેડરૂમમાં પડેલી લોખંડની પેટીને તાળુ મારી તેની ચાવી માતાજીના મંદિરમાં રખાઈ હતી. જેની જાણ માત્ર કામવાળીને જ છે, તેમજ ઘરમાં કોઈ સામાન વેર વિખેર થયો નથી. જેથી કામવાળીએ જ દાગીના ચોર્યા હોવાનો આરોપી મુકી તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ ડિવિઝન પીએસઆઈ વી.એસ. ચૌહાણે આગળની તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)