Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કોડીનારની મનીષા વાળાની પ્રેરણાદાયી સફર : શ્રમિક પુત્રી કિક બોકિસંગના વિશ્વકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આયરલેન્ડના ડબલીનમાં યોજાનાર ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્યાંક

પ્રભાસ પાટણ તા. ૫ : કોડીનારની મનીષા વાળાએ. એક સામાન્ય શ્રમિક પરિવારમાંથી છે. મનીષાના પિતા એક સિમેન્ટ ફેકટરીમાં શ્રમિક તરીકે કામ કરે છે. પરંતુ પારાવાર આર્થિક તકલીફો સામે ઝૂકયા વગર આ શ્રમિક પુત્રી કિક બોકિસંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. મનીષા માર્ચ-૨૦૨૨માં આયરલેન્ડના ડબલીન ખાતે કિક બોકિસંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં -૬૦ વેઈટ કેટેગરીમાં કવોલીફાઈ થઈ છે. આમ, ગીર સોમનાથ જિલ્લાની વધુ દિકરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત તરફથી રમતી જોવા મળશે.

હાલ વડોદરા ખાતે તાલીમ મેળવી રહેલી મનીષા વાળાએ કહે છે. સપનાઓ સાથે સમાધાન કરો નહિં, લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા રહો. એક દિવસ પરિણામ તમારા પક્ષમાં હશે. હું અભ્યાસમાં તેજસ્વી રહી છું. પણ બાળપણથી જ રમતગમત પ્રત્યે ખૂબ લગાવ હતો. આ મારો શોખ આજે અલગ મૂકામ પર લઈ ગયો છે. ખાસ કરીને પરિવારમાં મારા માતા-પિતાએ વિપરીત પરિસ્થિતિ હોવા છતાં તેમણે સ્પોર્ટસમાં આગળ વધવા ખૂબ પ્રોત્સાહિત કરી. તેમણે મને એક ગર્લ્સ તરીકે કયારેય ટ્રીટ કરી નથી. ઉપરાંત સમાજમાં એક ઉંમરે છોકરીઓને લગ્ન માટે દબાણ કરવામાં આવતું હોય છે. મનિષા માને છે કે, સ્પોર્ટસમાં આગળ વધવા પાછળ પિતા જગદિશભાઈ અને માતા પ્રાંચીબેનનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે.

ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં કેટેગરીમાં કવોલીફાઈ થવા માટે ઓગસ્ટમાં ગોવાના દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ (સ્ટેડિયમ) ખાતે સીનીયર નેશનલ કીક બોકસીગના કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના આધારે હિમાચલ પ્રદેશના ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતેના ઈન્ડિયા કેમ્પમાં સામેલ કરવામાં આવી. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી હતી.

મનીષા કહે છે કે, રાજય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતનું યુવાધન સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવાની દિશામાં આગળ વધ્યું છે. સ્પોર્ટ્સ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટરકચર પણ વિકસાવવામાં આવી રહ્યું છે.

કિક બોકિસંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સારા કોચ મળવા મુશ્કેલ હોય છે. પણ હાલ શ્રી સિદ્ઘાર્થ ભાલેગરે સર પાસે કોચિંગ મેળવી રહી છે. જે કિક બોકિસંગમાં ખ્યાતિ પ્રાપ્ત કોચની સાથે કિક બોકિસંગના સારા ખેલાડી રહી ચૂકયા છે.

તાજેતરમાં ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મનીષા વાળાના આ સિદ્ઘિને બિરદાવી સન્માનિત કરી હતી. આ અંગે વાત કરતા મનીષાએ કહ્યું કે, મને પ્રોત્સાહિત કરવાની સાથે તેમણે તમામ મદદ તૈયારી દર્શાવી હતી. તેમના શુભેચ્છા-આશીર્વાદ મેળવાનો મનીષાએ આનંદ વ્યકત કર્યો હતો.

સૌરાષ્ટ્રમાં ઓછી પ્રચલિત એવી રમત બોસ્કિગની વાત કરતા મનીષા કહે છે કે, કિક બોકસીંગ એ લાત અને પંચિગ આપ આધારિત સ્ટેન્ડઅપ કોમ્બેટ સ્પોર્ટસનું એક જૂથ છે. જે ઐતિહાસિક રીતે બોકિસંગ સાથે મિશ્રિત કરાટેમાંથી વિકસાવવામાં આવ્યું છે. બાળપણ જયારે પીટી ટીચર જયારે જૂડો શીખવતા ત્યારથી જ માર્શલ આર્ટસમાં મારો રસ કેળવાયો. સાથે જ બધા સ્પોર્ટસનું સંગમ પણ કિક બોકિસંગ જોવા મળે છે. જેમાં તમે પંચની સાથે કિકનો પણ ઉપયોગ કરી શકો છો. કિક બોસ્કિંગમાં ફોકસની સાથે સ્પીડ વધુ મહત્વની છે. જે તમને ફિક બોકસીગમાં સફળતા અપાવે છે. ઉપરાંત મનીષા ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો અને એથ્લેટિકસની સારી ખેલાડી છે. તેણે જુદી-જુદી સ્પર્ધામાં ૯ વાર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે.

(10:53 am IST)