Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

અંજારમાં રૂ.૫૦ હજારના વ્યાજના ચક્કરમાં વ્યાજખોરોની દાદાગીરીથી કંટાળી યુવાને જીવ દીધોઃ બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

આપઘાત પૂર્વેના વીડિયો અને સુસાઈડ નોટે સર્જેલી ચકચાર બાદ વ્યાજનો ધંધો કરતી રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી સહિત ૫ સામે ફરિયાદઃ અનેક ફરિયાદો વચ્ચે પોલીસ અને રાજકીય ઓથ હેઠળ રિયાનો પઠાણી વ્યાજનો ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: સરકારના કડક કાયદાઓ અને કાયદો વ્યવસ્થાની મોટી મોટી વાતો વચ્ચે ઊંચા વ્યાજ સાથે ગેર કાયદે નાણાં ધીરધાર કરવાની પ્રવૃતિ ને કારણે અનેક જિંદગીઓ હોમાઈ રહી છે. કચ્છના અંજાર તા.ના મેદ્યપર બોરિચી ગામે રહેતા અનીશ અલીભાઈ સાંજીએ ગળે ફાંસો ખાઈ જીવ દઈ દીધો હતો. મૃતક યુવાને આપદ્યાત કરતાં પહેલાં વ્યાજખોર મહિલા અને તેના સાથીદારોના ત્રાસ અંગે વાયરલ કરેલ વીડિયો અને સુસાઈડ નોટે ચકચાર સર્જી છે. કરુણતા એ છે કે, મૃતકના યુવાનના ભાઈ ઈરફાન અલીભાઈ સાંજીએ વ્યાજે રૂપિયા લીધા હતા પણ વ્યાજખોર મહિલા રિયા અને તેની બહેન આરતી ગોસ્વામી તેમ જ ત્રણ અન્ય જણા તેજસ ઉર્ફે ચેતલો, યાસીન હિંગોરજા અને સોહિલ હિંગોરજા વારંવાર દ્યેર આવી દ્યરમાં બધાને ધાકધમકી, મારામારી કરતાં હોઈ અને તેના પિતાને પણ અપમાનિત કરતાં હોઈ કંટાળીને અનીશે જીવ દીધો હોવાનું વીડિયો તેમ જ સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. આ અંગે ઈરફાન અલીભાઈ સાંજી એ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પોતે રોયલ ફાઇનાન્સ અંજારના રિયા બેન ગોસ્વામી પાસેથી પહેલાં ૩૦ હજાર અને બાદ માં ૨૦ હજાર એમ કુલ ૫૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા. અમુક રૂપિયા ભર્યા બાદ લોક ડાઉન માં રૂપિયા ન ભરી શકતા ડેઇલી ડાયરી બનાવી રૂપિયા આપવાનું શરૂ કર્યું હતું. તે હપ્તામાં મોડું થતાં દ્યેર આવી પરિવારજનો સાથે ધાકધમકી મારામારી કરી અપમાનિત કરતાં તેના ભાઈ અનીશને માનસિક તાણ રહેતી હતી. રિયા ગોસ્વામીએ વ્યાજે રૂપિયા આપવાની સામે લીધેલ બે ચેક માં રૂ. ૬ લાખ ૯૫ હજાર અને ૧ લાખ ૫ હજાર ભરી બેંકમાં નાખતા બન્ને ચેક બાઉન્સ થયા હતા. જે અંગે બે વાર નોટિસ મૂકી હતી. આ બધી વાતો અનીશે સુસાઈડ નોટમાં અને આપધાત પહેલાના વિડિયોમાં કહી હતી. દરમ્યાન રિયા, આરતી સહિતના પાંચે આરોપી ભાગી ગયા છે. ચર્ચાતી હકીકતો મુજબ રિયા ગોસ્વામી વિરૂદ્ઘ ભૂતકાળમાં પણ ફરિયાદો થઈ ચૂકી છે પણ એક પોલીસ અધિકારી અને એક રાજકીય નેતાનો ઓથ રિયાને છે.

(10:29 am IST)