Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જામનગરમાં બસમાં અપડાઉન કરતા ૧૩ વિદ્યાર્થીને કોરોના

દિવસે ને દિવસે કોરોનાના કેસમાં ભારે વધારો : ધોરણ૧૦માં અભ્યાસ કરતી યુવતીના પોઝિટિવ રિપોર્ટ બાદ અન્ય ૧૨ વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યા છે

જામનગર, તા.૪ :  દિવસે ને દિવસે કોરોનાના કેસમાં ભારે વધારો થઇ રહ્યો છે. જે વાતનો ડર હતો એજ હવે બની રહ્યું છે. ત્રીજી લહેરમાં હવે શાળાના વિદ્યાર્થીઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. જામનગરના ઉપલેટાની શાળામાં એક સાથે ૧૩ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ ખાનગી બસમાં મુસાફરી કરી અપડાઉન કરતા હોવાની વિગત સામે આવી છે.

હાલ તમામ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે અને શાળા તરફથી પણ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જામજોધપુરના વિદ્યાર્થી ઉપલેટાની શાળામાં અભ્યાસ માટે જતા હતા આ દરમ્યાન એક વિદ્યાર્થીમાં લક્ષણ દેખાતા તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો, બાદમાં આ વિદ્યાર્થી સાથે દરરોજ બસમાં અપડાઉન કરતા અન્ય ૩૫ વિદ્યાર્થીઓના સેમ્પલ લઇ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૩ વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. એટલું જ નહીં ધો.૧૦માં અભ્યાસ કરતી યુવતીના પોઝિટિવ રિપોર્ટ બાદ અન્ય ૧૨ વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી અને ઉપલેટાની જે શાળામાં સંક્રમણ ફેલાયું તેને તાત્કાલિક અસર થી બંધ કરવામાં આવી અને સ્કૂલ કેમ્પસને સૅનેટાઇઝ કરવામાં આવી અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

(9:15 pm IST)