Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કોવિડ હોસ્પિટલમાં સારવારની મુખ્ય જવાબદારી હોય છે મેડિસીન વિભાગ ઉપરઃ જામનગરમાં એક પણ ડોકર્ટ્સએ માર્ચ ૨૦૨૦થી નથી લીધી રજા કે વેકેશન

કોવિડ હોસ્પિટલમાં મેડિસન, પલમોનોલોજી, એનેસ્થેસિયા વિભાગ દ્વારા થાય છે દર્દીઓની સારવાર

જામનગર તા. ૫ : જી.જી.હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા અને પ્રોફેસર ડો. મનિષ મહેતા કહે છે કે કોવિડ હોસ્પિટલમાં સારવારની મુખ્ય જવાબદારી મેડિસીન વિભાગ ઉપર હોય છે. જી.જી.કોવિડ હોસ્પિટલનું અત્યારે જે ૯ માળની બિલ્ડીંગ છે તે બિલ્ડીંગ બે વર્ષ પહેલા નવી બની હતી. ત્યાં મેડિસીન વિભાગ બેસતો હતો. પરંતુ માર્ચ ૨૦૨૦થી કોરોનાની મહામારી શરૂ થતાં અમારા મેડિસિન વિભાગે તે બિલ્ડીંગ ખાલી કરીને જૂની બિલ્ડીંગમાં આવી ગયું હતું. આ નવા બિલ્ડીંગને અઠવાડિયામાં જ ૭૨૦ બેડની પથારી ધરાવતી કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી હતી. જોકે આગળ જતાં ૧૨૦૦ બેડની વિશાળ કોવિડ હોસ્પિટલ પણ બની જાય છે.

દરેક બેડ ઉપર ઓકિસજન મશીન, સકશન મશીન, સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવાઈ હતી. મેડીસીન, મેનપાવર ઓવરનાઇટ કરે તેવી વ્યવસ્થાઓ સત્વરે ઉભી કરાઇ હતી.

જી.જી.હોસ્પિટલમાં સપ્ટેમ્બર, ૨૦૨૦માં સૌથી વધુ ૬૦૦ દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ હતા. આંકડો વધે તો દર્દીઓને સારવાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ના પડે એવી સંભાવનાના કારણે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના સહયોગથી ૭૨૦ માંથી ૧૨૦૦ બેડ સુધીની સુવિધા વધારી દેવામાં આવી હતી. જેથી દર્દીઓની સારવારમાં મુશ્કેલી ન પડે.

કોવિડ બેડનો વ્યાપ વધારવા હોસ્પિટલ પાસે ક્ષમતા હતી એટલે આરોગ્ય વિભાગની મંજૂરીથી નવી બિલ્ડીંગમાં ૭૨૦ બેડ, સર્જરી વિભાગનું રિનોવેશન થતાં ત્યાં ૨૩૨ બેડ(આઈ.સી.યુ. સાથે) અને જૂના બિલ્ડીંગમાં ૧૨૦ બેડ કોવિડની સારવાર માટે ફાળવી દેવામાં આવે છે. આમ કુલ ચાર બિલ્ડીંગોમાં કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે.

ડો. મનિષ મહેતાના જણાવ્યાનુસાર સાત લાખની વસતી ધરાવતા જામનગર શહેરમાં હાલમાં ૧૫૦ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર માટે આવતા હોય છે. જેમાંથી સરેરાશ ૨૦ થી ૨૫ દર્દીઓ દરરોજ એડમિટ થતા હોય છે. જે કોરોનાના સંક્રમણ ઘટ્યું હોવાનું દર્શાવે છે.

ડો. મહેતા વધુમાં કહે છે કે કોવિડ હોસ્પિટલ ૨૪ કલાક ત્રણ શિફટમાં કાર્યરત હોય છે. માર્ચ ૨૦૨૦થી આજ દિન સુધી હોસ્પિટલના કોઇ પણ ડોકટર્સ અને રેસિડન્ટ ડોકટર્સએ દિવાળી કે ઉનાળુ વેકેશનની રજા તો નથી જ લીધી. પરંતુ પરચુરણ રજા પણ નથી લીધી. અમારી ટીમ દિવસ રાત દર્દીઓની સેવા માટે જહેમત ઉઠાવી રહી છે.

મેડિસીનના જ સિનિયર ડો.મેહઝબીન હિરાણી કહે છે કે અમારા વિભાગના વડા ડો.મનિષ મહેતાના માર્ગદર્શન અને સહકારથી તમામ તબીબો ભાઇચારાના ભાવ સાથે એકબીજાના સંકલનમાં રહીને કોવિડ અને નોન કોવિડના દર્દીઓની સેવા કરી રહયા છીએ.

કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ત્રણ વિભાગનું સંકલન હોય છે. જેમાં પહેલુ મેડિસન. બીજુ એનેસ્થેસિયા અને ત્રીજી પલમોનોલોજી. મેડિસન વિભાગના તબીબો દર્દીઓની સારવાર માટે કામ કરે છે. એનેસ્થેસિયા વિભાગ દર્દીઓ માટે ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જે દર્દીઓના રિપોર્ટ કોરોના નથી પરંતુ આ દર્દીઓના ફેફસા ડેમેજ -ક્ષતિયુકત અને અને ઓકિસજન જરૂર હોય છે તેને કોવિડ હોસ્પિટલનો પરમોનોલોજી વિભાગ સારવાર આપે છે.

મેડિસિન વિભાગમાં ૧૫ કન્સલ્ટન્ટ ડોકટરો અને ૫૦ રેસિડન્ટ ડોકટરો કોવિડ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી દિવસ રાત કામ કરી રહયા છે. દર્દીઓ પણ સારવારનો સંતોષ લઇને ઘરે જાય છે.

ડો. મહેતા કહે છે કે સપ્ટેમ્બર માસમાં કોરોના પિક ઉપર હતો, દર્દીઓનો ઘસારો ખૂબ હતો. ત્યારે મેડિસીન વિભાગનો સીતેર ટકા સ્ટાફ માત્ર કોવિડ હોસ્પિટલમાં ફરજ ઉપર બજાવતો હતો. ત્રણ-ત્રણ કન્સલટન્ટ ત્રણ-ત્રણ સિફટમાં કામ કરતાં હતાં. મેડિસિન વિભાગમાં ડો.મનીષ મહેતા, ડો.અજય તન્ના, ડો.એસ.એસ.ચેટરજી, ડો.ભૂપેન્દ્ર ગોસ્વામી, ડો.નીતિન રાઠોડ, ડો.યાજ્ઞિક ચોટાલા, ડો.મનીષ ખોખર, ડો.મેહુલ કાલિયા, ડો.સ્નેહા વઢવાણા, ડો.મેહઝબીન હિરાણી, ડો. અમી ત્રિવેદી વગેરેનો સમાવેશ થાય છે.

(12:45 pm IST)