Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગંગા સ્વરૂપ સહાય સમિતિ તથા લાયન્સ કલબ ઓફ મોરબી, નઝરબાગ, સીટી અને પ્લસ દ્વારા પાંચમો સમુહલગ્ન યોજાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબી શહેરમાં સપ્ટેમ્બર ૨૦૧૦થી  દેવકરણભાઇ આદ્રોજા તથા ચંદ્રકાંતભાઇ દફતરી દ્વારા ગંગાસવરૂપ સહાય સમિતીની રચના કરવામાં આવેલ જેનો હેતુ મોરબી તથા આજુબાજુના વિસ્તારના વિધવા બહેનોને સહાયરૂપ થવું અને તેઓને પગભર કરવા પ્રયાસો કરવા જેના અનુસંધાનમાં વિવિધ જગ્યાએ ૧૦ કેન્દ્રો દ્વારા ૧૦૦૦થી વધુ બહેનોને દર મહિને અનાજની સહાય કરવામાં આવે છે. વાર-તહેવારે આ બહેનોને મીઠાઇ વિતરણ, કપડા વિતરણ પણ કરવામાં આવે છે. માંદગી સમયે આવી બહેનોને હોસ્પિટલની સારવાર કરાવવામાં આવે છે. વિધવા બહેનોના સંતાનોને શૈક્ષણિક સહાય માટે શેઠશ્રી પી. જી. પટેલ શૈક્ષણિક સંકુલમાં ધોરણ ૧ થી કોલેજ સુધી રાહત દરે ફી લઇને અભ્યાસ કરાવવામાં આવે છે.

ગત ચાર વર્ષથી વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા. ૦૭-૦૩-૨૦૨૧ના રવિવારે શ્રી સાંઇ મંદિર રણછોડ નગર મોરબી ખાતે પાંચમાં સમૂહ લગ્નનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ શુભ પ્રસંગમાં ૪૦ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.

સરકારશ્રીની વર્તમાન ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. લગ્નપ્રસંગમાં આવનાર વર - વધુના સગાસંબંધીઓએ માસ્ક પહેરવું ફરજીયાત છે.

તા. ૦૭-૦૩-૨૦૨૧ના સવારે ૮ થી ૧૦ જુદા જુદા ૫ મંડપોમાં ૫ દીકરીઓનાં લગ્ન કરી આપવામાં આવશે અને તેમની સાથે તેમના સંબંધીના બંને પક્ષના મળીને કુલ ૨૦ વ્યકિતઓ માટે ફૂડ પેકેટ આપવામાં આવશે. આવી રીતે દર ૨ કલાકના અંતરે ૫ લગ્ન કરી આપવામાં આવશે. ઈચ્છુક પરિવારના લોકો નામ નોંધાવવા માટે રૂબરૂ રણછોડનગર, સાંઈમંદિરમાં બધા ડોકયુમેન્ટ લઇ અને સંપર્ક કરવો. નામ નોંધાવવાની છેલ્લી તા. ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૧ રહેશે.

ગંગા સ્વરૂપ સહાય સમિતીના કાર્યો મોરબી શહેરો પુરતા સીમિત નહી રહેતા સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પૂર્વ ડ્રીસ્ટીક ગવર્નર ચંદ્રકાંતભાઇ દફતરીના સઘન પ્રયત્નોથી સૌરાષ્ટ્ર અને કચ્છની ૪૮ લાયન્સ કલબો દ્વારા ઉપરોકત તમામ કાર્યોને વેગવંતું કરવામાં આવી રહ્યું છે. અને હજારોની સંખ્યામાં વિધવા બહેનોને સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ મેમ્બરો મદદરૂપ થઇ રહ્યા છે.

મોરબી શહેરની સેવાભાવી જનતાને વિનંતી કરવામાં આવે છે કે ૦૭- માર્ચ ૨૦૨૧ના રોજ યોજાનારા સમૂહ લગ્નમાં ૪૦ દીકરીઓને પ્રભુતામાં પગલા મંડાવવા માટે તન-મન અને ધનથી આશીર્વાદ વરસાવે. વધુ માહિતી માટે ચંદ્રકાંતભાઇ દફતરી ૯૮૨૫૨ ૨૩૧૯૯, દેવકરણભાઇ આદ્રોજા ૯૪૨૬૨ ૪૭૨૮૨, રવિન્દ્ર ભટ્ટ ૯૮૯૮૨ ૮૮૭૭૭, વિરેન્દ્ર પાટડિયા ૯૮૨૫૧ ૬૨૨૨૫, રમેશભાઇ રૂપાલા ૯૯૨૫૪ ૧૦૫૫૫, તુષારભાઈ દફતરી ૯૮૨૫૨ ૯૧૩૧૩, કુટુંબભાઈ ગોરીયા ૯૯૭૮૦ ૫૦૫૦૦, સુરાણી ૯૮૨૫૨ ૨૩૩૮૪નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(10:11 am IST)