Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

અમરેલીમાં નવો બનેલ RCC રોડ સૌથી મજબુતઃ વૈજ્ઞાનિક પરિક્ષણે સાબિત કર્યું

જિલ્લા ઉચ્ચ અધિકારીઓ પ્રબુધ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં ટેસ્ટીંગ કરાયું

અમરેલી, તા.૪:અમરેલીના નાગનાથ મંદિર, સંત મુળદાસજી સર્કલથી મોટા બસ સ્ટેન્ડ સુધીનો જિલ્લા પંચાયત રોડ આર.સી.સી. રોડ કરવામાં આવ્યો છે. આ આર.સી.સી. ટ્રીમિકસ રોડની મજબૂતાઈ જાહેર હિતમાં પારદર્શી રીતે જાહેરમાં ચકાસવા માટે જિલ્લા પંચાયત રોડનું સિમેન્ટ કોંક્રીટ એમ-૨૦ ના કમ્પ્રેશન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલીના પ્રાંત અધિકારીશ્રી જોશીએ જણાવ્યું હતું કે અમરેલી શહેરમાં આ વર્ષે ચોમાસામાં અતિ વરસાદથી રોડ-રસ્તાઓને અત્યંત નુકસાન થયું હતું. જેનાથી શહેરની પ્રજાને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી હતી. પરંતુ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના વિવિધ વિભાગોને તમામ રોડ-રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા સબંધિત વિભાગોને જણાવવામાં આવ્યુ હતું. ખુબ જ ઓછા સમયમાં શહેરના મુખ્ય માર્ગો તૈયાર થઇ ચુકયા છે અને  જાહેર જનતા સમક્ષ તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ પણ રાખવામાં આવ્યું હતું. આમ આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક બની છે. આજે તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ થયેલું કોર ટેસ્ટિંગ અત્યંત સફળ રહ્યું હતું જે બદલ વિભાગના અધિકારીઓને શુભેચ્છાઓ પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા બની રહેલા નવા માર્ગોનું નિરીક્ષણ કરી સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ અમરેલી નગરપાલિકા પાસેથી તમામ નવા તૈયાર થઇ રહેલા માર્ગોની ગુણવત્ત્।ા ચકાસવા સ્પેશ્યલ ટીમની રચના કરી હતી. આ ટીમમાં જિલ્લાના અલગ અલગ વિભાગના અધિકારીઓ, અમરેલીની પોલીટેકનિકના સિવિલ એન્જીનીયરીંગ શાખાના પ્રોફેસરશ્રીઓનો સમાવેશ કરવામાં આવો હતો અને એમના દ્વારા સતત નિરીક્ષણ કરવામા આવી રહ્યું હતું. આ ઉપરાંત તંત્ર દ્વારા જાહેર જનતા માટે પણ કોન્ક્રીટ સહિતના રો મટિરિયલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. વધુમાં, સમગ્ર વહીવટ પારદર્શી બની રહે તે માટે જાહેર જનતા માટે નવા માર્ગો ઉપર કોન્ટ્રાકટરનું નામ અને રોડ બન્યાનું વર્ષ લખવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.આ તકે જિલ્લા વહીવટી તંત્રના તમામ સંબંધિત અધિકારીઓ, ડો. જીવરાજ મહેતા પોલિટેકનિક કોલેજના સિવિલ વિભાગના પ્રોફેસરશ્રી, માર્ગ અને મકાન વિભાગના પ્રતિનિધિ એન્જિનિયરશ્રી, થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરનાર એજન્સીના પ્રતિનિધિ એન્જિનિયર, પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના પ્રતિનિધિ એન્જિનિયર, અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી એલ.જી.હુણ, એન્જિનિયરશ્રી એચ.પી. ખોરાસિયા તથા શહેરી વિકાસ સમિતિ અમરેલીના ચેરમેનશ્રી પી.પી.સોજીત્રા, નગરપાલિકાના પ્રમુખ શ્રી જયંતીભાઈ રાંણવા, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી બાંધકામ સમિતિના ચેરમેનશ્રી તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા શહેરના અન્ય મહાનુભાવો અને પ્રબુધ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ITI ના શોર્ટ ટર્મ કોર્સ માટે અરજી કરવા જોગ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા જાફરાબાદ ખાતે ટૂંકા ગાળાનો કોર્સ Assistant Manual Metal Arc Welding શરુ થનાર છે. આ કોર્સમાં ધોરણ ૫ પાસ ઉમેદવાર જોડાઈ શકે છે તો પ્રવેશ મેળવા ઇચ્છુક ઉમેદવારોએ આઈ.ટી.આઈ. જાફરાબાદનો મોડેલ સ્કૂલની બાજુમાં, વાપળીયા વિસ્તાર, ઉના રોડ, જાફરાબાદનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

(9:59 am IST)