Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

જૂનાગઢમાં બુટલેગરના ઘર પર ફાયરીંગ કરવા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ હથિયાર આપ્યાનો ધડાક

પકડાયેલ દેવેન્દ્ર મેરની કબુલાતઃ રીમાન્ડ નામંજુર થતા કોર્ટ હવાલે

 તા.પઃ જૂનાગઢમાં બુટલેગરના ઘર પર ફાયરીંગ કરવા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ હથિયાર આપ્યું હોવાની કબુલાત પકડાયેલ દેવેન્દ્ર મેર નામનાં શખ્સે કરેલ છે.

આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી અને એસ.પી. સૌરભસિંધની સુચનાથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી.ના પી.આઇ. જે.એમ. વાળા તથા જમાદાર વિક્રમ ચાવડા અને સામતભાઇ બારૈયા વગેરેએ કમર કસી હતી.

દરમ્યાનમાં જૂનાગઢનાંકડિયાવાડમાં રહેતા દારૂનાં ધંધાર્થી સમીર કિશન સોંદરવાના મકાન ઉપર ગત તા. ૧૬નાં રોજ મીરાનગરનો દેવેન્દ્ર ઉર્ફે દેવો જેરામભાઇ મેર પૈસાની ઉઘરાણી બાબતે ફાયરીંગ કરીને નાસી ગયો હતો.

દરમ્યાન દેવેન્દ્ર મેર અમદાવાદ તરફ હોવાની બાતમી મળતા એસ.ઓ.જી.ના પી.આઇ. જે.એમ. વાળાએ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને દેવેન્દ્ર મેરને જી.જે. ૦૨ કેસી ૬૬૪૬ નંબરની મર્સીડીઝ કાર સાથે પકડી પાડી ડીવાયએસપી આર.વી. ડામોરને સોંપી આપ્યો હતો.

આ શખ્સની પુછપરછમાં દેવેન્દ્ર મેરને ફાયરીંગ કરવા માટે હથિયાર ગુજરાતનાં લિસ્ટેડ બુટલેગર નં. ૧૯ ધીરેન અમૃતલાલ કારીયાએ આપ્યું હોવાનું જણાવેલ.

ફાયરીંગ કર્યા બાદ આ શખ્સ ધીરેન સાથે રહેલ અને તેને હથિયાર પરત કરી દીધા બાદ મેર શખ્સની વર્ના કાર ધીરેન તેની પાસે મુંબઇ ખાતે રાખેલ અને થોડા દિવસ પહેલા અમદાવાદ મોકલેલ બાદ ધીરેનનાં કહેવા પ્રમાણે મસીર્ડીઝ કાર ધીરેનને આપવા માટે મુંબઇ જતો હતો ત્યારે તેને એસઓજીનાં કાફલાએ કાર સાથે પકડી પાડયો હતો.

દરમ્યાનમાં ડીવાયએસપી આર.વી. ડામોર દેવા મેરને ૭ દિવસનાં રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે રીમાન્ડની માંગણી નામંજુર કરી હોવાનું જાણવા મળેલ છે.(૧.૧૪)

 

(4:08 pm IST)