Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

લગ્ન પ્રસંગે પાર્કીંગ બાબતે ઝઘડો : ભાવનગરમાં મેમણ મોટી જમાતની વાડીમાં તોડફોડથી ધમાલ મચી

ભાવનગર, તા. પ : ભાવનગરમાં મેમણ મોટી જમાતના લગ્ન પ્રસંગમાં સ્કૂટર પાર્કીંગ બાબતે બોલાચાલી થતાં ત્રણ શખ્સોએ વાડીમાં ઘુસી હથિયારો સાથે તોડફોડ કરી ધમાલ મચાવતા દેકારો મચી ગયો હતો. પોલીસે ત્રણ પૈકી બે શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગતો મુજબ શહેરના જોગીવાડની ટાંકી વિસ્તારમાં આવેલ મેમણ મોટી જમાતની વાડીમાં સતારભાઇ નેશનલ લોજવાળાના પરિવારનો લગ્ન પ્રસંગ હતો. દરમ્યાન વાડી બહાર સ્કૂટર પાર્કીંગ બાબતે ઝઘડો થતાં ઇરશાદ, સાદીક અને ખાલીદ નામના ત્રણ શખ્સોએ ગાળો બોલી, હથીયારો સાથે વાડીમાં ઘુસી રેલીંગ તોડી, લગ્ન પ્રસંગ માટે તૈયાર કરેલ રસોઇના તપેલા ઢોળી ધમાલ કરતા લગ્ન પ્રસંગમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ સી-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો અને તોફાની પૈકી બેને ઝડપી લીધા હતાં.

આ બનાવ વાડીના સીસી ટીવી ફુટેજમાં કેદ થઇ ગયો છે.

આ ધમાલ અંગે રજાકભાઇ ઇસ્માઇલભાઇ મકાતીએ ઇરશાદ, સાદીક અને આલીદ નામના ત્રણ શખ્સો વિરૂદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનના હે.કો. એચ.બી. સોઢાતર ચલાવી રહ્યા છે. (૮.૯)

(11:46 am IST)