Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રવિવારે જોડીયાધામમાં રામવાડીના ઉદાસીન મહંત પૂ. ભોલેદાસજી બાપુનો ૧૭મો ભંડારો

સંતવાણી, સુંદરકાંડ પાઠ, ધુન, સંકિર્તન, મહાઆરતી સહિતના કાર્યક્રમો : મહંત હરિદાસજી બાપુની નિશ્રામાં ભવ્ય આયોજન

જોડીયાધામ, તા. ૪ :. જામનગર જીલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટરી 'રામવાડી' આશ્રમના પ્રાતઃ સ્મરણીય મહંત પ.પૂ. સંતશ્રી ભોલેદાસજી બાપુ ગુરૂશ્રી કરણદાસજીબાપુનો 'સત્તરમો ભંડારો' (દિવ્ય ભવ્ય ભંડારો) (મહાપ્રસાદ) તા. ૬ રવિવારે બપોરે ૧ર કલાકે જોડીયાધામની રામવાડીમાં રાખેલ છે. આ ઉપરાંત સાંજના પ કલાકે સમસ્ત હિન્દુ સમાજ જોડીયા ગામ ધૂવાડાબંધ મહાપ્રસાદનું સાથોસાથ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ ઉપરાંત તા.પ ને શનિવારના રોજ સાંજના ૪થી ૭ દરમ્યાન સૌ સાધક ભાવિક ભકતજનો દ્વારા સામૂહિકમાં સંગીતમય સુંદરકાંડના પાઠ, ધૂન, સંકિર્તન રાખેલ છે. જેમાં પ્રસિદ્ધ કલાકારો જોડીયાવાળા અલ્કેશભાઇ સોની સહિતના ભાવિકો રંગત જમાવશે. ત્યારબાદ શ્રી જયોતિસ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદાની દીપ માળાની મહાઆરતી, ઢોલ નગારા અને શંખોદ્વારાથી કરવામાં આવશે. તેમજ સમાધીએ વિશેષપૂજન-ધ્વજારોહણ વીધી થશે.

તા. પ ને શનિવારે રોજ રાત્રીના ૯-૩૦ કલાકે સંતવાણી, ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં ગુજરાત-સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર ભજન સમ્રાટ શ્રી સુરેશભાઇ રાવલ તેમજ શ્રી ભાવેશ રાવળ તથા તેમના સાથીદારો અનેરા સંગીતની શૈલી સાથે રાત્રીભાર સંતવાણી ભજનોની રંગત જમાવશે. જોડીયાધામની રામવાડીમાં બિરાજમાન શ્રી જયોતીસ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા એવમ્ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદ્ગુરૂદેવ પૂ. પાદ શ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી તેમજ મહંત પૂ. શ્રી હરિદાસજીબાપુ ગુરૂશ્રી કરણદાસજી બાપુની પાવન નિશ્રામાં આ દિવ્ય મહોત્સવ સતરમી દિવ્યા ભંડારો યોજાશે. આ આ પ્રસંગે અનેક જગ્યાઓમાંથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી સંતો-મહંતો પધારશે. જામનગર જીલ્લામાંથી ગીર પંથકમાંથી પણ સાધુ-સંતો પધારશે.

રામવાડીની પાવન તપોભૂમિમાં બે દિવસ સુધી ભજન-ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ થશે. ભાવિક-ભકતજનોને આ દિવ્ય મહોત્સવ પ્રસંગે સાધુ-સંતોના દર્શન-સત્સંગનો અમૂલ્ય લ્હાવો રામવાડીમાં મળશે. સાધુ-સંતોની ભજનની મંડળી પણ ભંડારાના દિવસે અચૂક પધારે છે. રામવાડી ગ્રુપના દરેક ભાવિક-ભકતજનોમાં અનેરો ઉત્સાહ-ઉમંગ થનગનાટ જોવા મળી રહ્યા છે તેમજ પૂ. બાપુના સેવક સમુદાય તડામાર તૈયારી કરી રહ્યા છે. તેમ હર્ષદભાઇ વડેરાએ જણાવેલ છે. વડેરા પરિવારે પૂ. ભોલેદાસજી બાપુની અનોખી સેવા કરેલ હતી. તેમજ શ્રી જયોતી સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું મંદિર પૂ. સદ્ગુરૂ દેવશ્રી ભોલેબાબાજીનું મંદિર બ્રહ્મલીન મહંત પૂજયપાદ સંતશ્રી ભોલેદાસજી બાપુનો 'સંત નિવાસ' અલખધૂણો તેમજ પૂ. બાપુની સમાધી વગેરેને રંગબેરંગી સીરીઝોથી લાઇટોથી શુસોભીત કરવામાં આવશે. તેમજ સ્ટેજ તથા નિજ મંદિરોને પુષ્પહારોથી સજાવટ કરવામાં આવશે.

આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરમાં દિવ્ય મહોત્સવમાં સર્વે ભાવિક-ભકતજનોને વધારવા મહંત પ.પૂ. સંતશ્રી હરીદાસજી બાપુ ગુરૂ શ્રી કરણદાસજી બાપૂ તેમજ સેવક સમૂદાય દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. તેમ રામવાડી આશ્રમના સેવક શનિભાઇ વડેરાની યાદીમાં જણાવાયું છે.

પૂ. બાપુની ચરણપાદુકા અને કળશવિધિ મહાપૂજા જોડીયા-રામવાડીના સેવકશ્રી શનિભાઇ વડેરા તેમજ જયોતીબેન વડેરાએ કરેલ હતી. આ પ્રસંગે મહંત પૂ. શ્રી હરિદાસજીબાપુ પણ પૂજામાં બેઠા હતાં જે શાસ્ત્રોકતવિધિ મંત્રોચ્ચારથી દિવ્ય વાતાવરણ વચ્ચે શાસ્ત્રીજી ઉદયભાઇ (કથાકાર)એ કરાવેલ હતી.

જોડીયાધામની 'રામવાડી' ખાતે પ.પૂ. મહંતશ્રી હરિદાસજી બાપુ તેમજ સેવક શ્રી શનિભાઇની આગેવાની હેઠળ તેમની નિશ્રામાં સરપંચશ્રી અશોકભાઇ વર્મા સહિત આ આયોજન અંગેની મીટીંગ તા. ૩૦ને રવિવારના રાત્રીના રાખેલ જે મીટીંગ સત્સંગમાં જોડીયા ગામના દરેક જ્ઞાતિના પ્રમુખો-મંત્રીઓ, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

તિર્થભૂમિ કાશી (બનારસ)માં પૂ. બાપુનો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હતો. કાશીનગરીથી જોડીયાધામમાં આવીને પૂ. ધરમશીભગતની ભૂમિને વધુ પાવન કરી. પૂ. સંત શ્રી ભોલેદાસબાપુને પૂ. બાબાજીએ હનુમાનજીની સ્થાપના કરવા જણાવ્યુ હતુ. વડેરા પરિવારના સ્વ. જેન્તીભાઈ વડેરાએ સાત સ્થંભનું મંદિર બનાવ્યુ હતં. જ્યાં દર શનિવારે ભાવિકો દ્વારા સુંદરકાંડના પાઠ અને ધૂનનું ગાયન કરવામાં આવે છે. ૧૯૮૦માં પૂ. મોરારીબાપુની રામકથા યોજાઈ હતી. આ ઉપરાંત રામવાડીની ભૂમિમાં પૂ. રમેશભાઈ ઓઝા, રામકૃષ્ણ શાસ્ત્રી, કિશોરભાઈ અગ્રાવત, મનહરલાલજી મહારાજ સહિતનાની કથા યોજાઈ હતી તેમ મહેશ વડેરાની યાદીમાં જણાવાયુ છે.(૨-૨૫)

(12:00 pm IST)