Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકોટ જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલતાનું અનુકરણીય ઉદાહરણ સ્થાપિત કરતા કલેકટર અરુણ મહેશ બાબુ

જરૂરિયાતમંદ મેન્ટલી રીટાર્ડેડ દીકરીને સરકારશ્રીની રહેણાંકીય સંસ્થામાં આશ્રય આપાવ્યો

રાજકોટ :"વિશ્વ દિવ્યાંગ દિવસ"ની ઉજવણી ત્રણ ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના સંવેદનશીલ કલેકટર અરુણ મહેશ બાબુએ 'દિવ્યાંગ દિવસ"નિમિત્તે મેન્ટલી રીટાર્ડેડ દીકરી માટે મનોદિવ્યાંગ બહેનોના નિવાસી ગૃહ ખાતે રહેવાની વ્યવસ્થા કરી આપીને તંત્રની સંવેદનશીલતા અંગે એક અનુકરણીય ઉદાહરણ પુરુ પાડ્યું છે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામે એક મેન્ટલી રીટાર્ડેડ દીકરી વૃદ્ધ પિતા સાથે દયનીય પરિસ્થિતિમાં જીવન જીવી રહી હોવાની વાત ધ્યાને આવતા સમાજ સુરક્ષા વિભાગ-રાજકોટ દ્વારા તેમનો સંપર્ક કરીને એ દીકરીને રાજકોટ તેના પિતા સાથે લાવવામાં આવી હતી.  આ દિકરીનું કાઉન્સેલીંગ કરીને સરકારની રહેણાંકીય સંસ્થા મનોદિવ્યાંગ બહેનોના નિવાસી ગ્રુહ રાજકોટ ખાતે લાવવામાં આવી છે. કલેકટર અરુણ મહેશ બાબુએ સમગ્ર હકીકતની જાણ મેળવીને દિવ્યાંગ દિવસને ખરા અર્થમાં સાર્થક કરી જરૂરિયાતમંદ દીકરીને આશ્રય આપવામાં સરાહનીય ભૂમિકા અદા કરી છે.
હાલના સમયમાં મનોદિવ્યાંગ મહિલાઓની સાથે અનિચ્છનીય બનાવો ન બને તે માટે કલેકટર મહેશ બાબુ દ્વારા દિવ્યાંગ દિવસ નિમિત્તે પ્રવેશ આપવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટને જરૂરી વ્યવસ્થા કરવા આદેશ કર્યા હતા. જેના ભાગરૂપે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન ગોસ્વામી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

(8:42 pm IST)