Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પોરબંદરના ગૌરવ પથ ઉપર વહેતા ગટરના પાણી

તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનની માત્ર વાતોઃ વેપારીઓ સહિત લોકો પરેશાનઃ કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત

પોરબંદર, તા. ૪ :. ગાંધીભૂમિમાં ગાંધી જન્મ સ્થાન નજીક ગૌરવપંથ માણેકચોકથી ડ્રીમલેન્ડ સિનેમા સુધી ઉભરાતી ગટરોથી વેપારીઓ પરેશાન છે. સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર અને જ્યાં ત્યાં પ્લાસ્ટિકની કોથળી સહિત કચરો ફેંકતા લોકો પણ એટલા જ જવાબદાર તે મુજબની કોંગ્રેસ દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

વિશ્વ આખાને સ્વચ્છતાનો સંદેશો આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં અત્યારે શેરીઓ, ગલીઓ અને મુખ્ય રસ્તાઓ ગંદકીથી ખદબદી રહ્યા છે. ગટરના ગંદા પાણી ગાંધીજીના જન્મ સ્થાન તરફ જતા અને ગૌરવ પથ ગણાતા માણેકચોકના રોડ પર ફરી વળ્યા છે તે સામે કોંગ્રેસે પાલિકાના તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયાએ નગરપાલિકાના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, શહેરના મુખ્ય માર્ગ પર વહેતી ગટરોના પાણીથી વેપારીઓ સહિત રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની યોગ્ય સાફ સફાઈ કરાવો. આ ગટરો માણેકચોકથી લઈને ડ્રીમલેન્ડ સિનેમા સુધીના અડધો કિલો મીટરના રસ્તા ઉપર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે ત્યારે નગરપાલિકાનું તંત્ર આ બાબતને ગંભીરતાથી લે તેવી માંગણી રજૂઆતમાં કરી છે.

ગટરના ગંદા પાણી બજારના મુખ્ય રોડ પર વહી રહ્યા છે ત્યારે આ રોડ પર વેપારીઓ, વસ્તુઓની ખરીદી કરવા આવતા લોકોની અવરજવર મોટી માત્રામાં હોય છે. સવારના સમયે વિદ્યાર્થીઓ અને દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. વિદ્યાર્થીઓ સવારના ભાગે આ રોડ પરથી પસાર થઈને શાળાએ જતા હોય છે ત્યારે નાના બાળકો સહિત દર્શનાર્થે જતા વૃદ્ધો પાણીમાં લપસી જઈને પડી ગયા હોય તેવા અનેક બનાવો બન્યા છે. ગટરના ગંદા અને ચીકાશવાળા પાણીને લીધે આ રસ્તા ઉપર વારંવાર સ્કૂટર સહિત સાયકલ જેવા વાહનો સ્લીપ થાય છે અને નાના મોટા અકસ્માત થતા રહે છે પણ સ્વચ્છતાની વાતો કરતુ પોરબંદર નગરપાલિકાના તંત્રને આ વાત કાને પડતી નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

મુખ્ય રસ્તા પર ફરી વળેલુ ગટરનું ગંદુ પાણી રોગચાળાને આમંત્રણ આપી રહ્યુ છે. વેપારીઓ સહિત અન્ય લોકો સતત આ રોડ પરથી અવરજવર કરે છે ત્યારે આ ગટરનું ગંદુ પાણી અનેક બીમારીને આમંત્રણ આપે છે. વેપારીઓની દુકાન પાસેથી જ આ પાણી વહેતુ હોવાથી તે મેલેરિયા, ડેંગ્યુ અને ચીકનગુનીયા જેવા રોગોના ભોગ બન્યા છે. ગટરના ગંદા પાણીમાંથી સતત પસાર થવાને લીધે ચામડી જેવા અનેક રોગોનો લોકો ભોગ બન્યા છે પરંતુ લોકોની પરેશાની પાલિકા નજરે કેમ ચડતી નથી ? તે એક પ્રશ્ન કોંગ્રેસના આગેવાનોએ રજૂઆતમાં કર્યો છે.

(12:58 pm IST)