Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોરોના ઓમીક્રોન વાયરસની દહેશતને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

મોરબી, તા.૪: સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટના લીધે ફરીથી ભયની માહોલ પ્રવર્તી રહ્યો છે, ત્યારે ભારત સરકારની નવી ગાઈડલાઈન મુજબ કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટથી પ્રભાવિત કુલ ૧૧ હાઈરિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓને ભારતમાં દાખલ થયેથી રીપોર્ટ ફરજીયાત કરવામાં આવે છે. તેમજ આરટીપીસીઆર રીપોર્ટ નેગેટીવ આવ્યેથી વધુ ૭ દિવસ માટે કોરેન્ટાઇન રહેવાનું રહે છે. તેમજ ૭ દિવસ પૂર્ણ થયેથી ૮ માં દિવસે ફરીથી તેમનો રીપોર્ટ કરવામાં આવશે.

જો આ પ્રવાસીઓમાં ૭ દિવસ દરમિયાન જો કોરોનના કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય ને કોવીડ પોઝીટીવ આવે તો તેઓને અલગથી આઇસોલેશન કરવાના છે. ઉપરોકત વ્યવસ્થા માટે મોરબી જીલ્લા વહીવટી તંત્ર તરફથી આવા પ્રવાસીઓ માટે હોટેલ આઇસોલેશન તેમજ હોસ્પિટલ આઇસોલેશનની અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવેલ છે. તેમજ સ્વખર્ચે હોટેલ આઇસોલેશન માટે હોટલ રીઝેન્ટા, નેશનલ હાઇવે મોરબી તેમજ સ્વખર્ચે હોસ્પિટલ આઇસોલેશન માટે ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિસ્ટી હોસ્પિટલ એમ ૨ પ્રાઇવેટ ફેસીલીટી આવા પ્રવાસીઓ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેઝીગ્નેટેડ કરવામાં આવેલ છે.

વધુમાં અત્યાર સુધી મળતી માહિતી મુજબ હાલમાં આપવામાં આવી રહેલ કાઙ્ખરોના વેકસીન આ નવા ઓમીક્રોન વેરીએન્ટ સામે પણ કારગત નીવડી શકે તેમ છે. આથી વેકસીનેશનમાં બાકી રહેતા પ્રથમ તેમજ બીજા ડોઝના લાભાર્થીઓ વહેલી તકે વેકસીનેશન લઇ લેવા સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર મોરબીની જનતાને અપીલ કરી છે.

પાંચમા દિવસે ૧૮૩૬ ફોર્મ ભરાયા.

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં ફોર્મ ભરવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આજે પણ ફોર્મ ભરવા ઉમેદવારોનો દ્યસારો જોવા મળ્યો હતો જેમાં જીલ્લાના પાંચ તાલુકામાં સરપંચ માટે ૩૪૨ જયારે સભ્ય માટે ૧૪૯૪ ફોર્મ મળીને આજે ૧૮૩૬ ફોર્મ ભરાયા છે

મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચુંટણી માટે આજે મોરબી તાલુકામાં સરપંચ માટે ૭૩ અને સભ્ય માટે ૩૪૭ ફોર્મ, ટંકારા તાલુકામાં સરપંચના ૩૮ અને સભ્યના ૧૯૯ ફોર્મ, હળવદ તાલુકામાં સરપંચના ૭૩ અને સભ્યના ૨૭૩ ફોર્મ, વાંકાનેર તાલુકામાં સરપંચ માટે ૧૧૯ અને સભ્ય માટે ૪૯૨ ફોર્મ જયારે માળિયા તાલુકામાં સરપંચના ૩૯ અને સભ્યના ૧૮૩ ફોર્મ ભરાયા છે જીલ્લામાં આજે કુલ ૧૮૩૬ ફોર્મ ભરાયા છે.

તો આજદિન સુધીમાં જીલ્લાના પાંચ તાલુકામાં સરપંચ માટે કુલ ૬૦૪ ફોર્મ જયારે સભ્ય માટે ૨૪૪૧ ફોર્મ ભરાયા છે શનિવારે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે ત્યારે ફોર્મની સંખ્યામાં હજુ પણ વધારો નોંધાઈ શકે છે.

ટાવર હટાવવા માંગ કરાઈ

મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ પ્રતિમા એપાર્ટમેન્ટ પર મોબાઈલ ટાવર ગેરકાયદેસર મંજુરી વગર હોય જે નુકશાન કરતો હોય જેથી મોબાઈલ ટાવર હટાવવા સામાજિક કાર્યકરોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરસરીયા સહિતનાઓ દ્વારા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી જણાવ્યું છે કે પારેખ શેરી ગૌરાંગ શેરીમાં આવેલ પ્રતિમા એપાર્ટમેન્ટ પર મોબાઈલ ટાવર નાખેલ છે જેની મંજુરી લીધી છે કે નહિ અને મંજુરી કોને આપી છે ટાવરમાંથી રેડીએશન થાય છે જેથી બાળકો અને વૃદ્ઘોને તેમજ ગર્ભવતી મહિલાઓને નુકશાન થાય છે.

જે અંગે સીટી મામલતદાર દ્વારા ઓગસ્ટ ૨૦૨૧ માં હુકમ કરેલ છે છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી રેસીડેન્ટ વિસ્તારમાંથી ટાવર તાત્કાલિક હટાવવો જોઈએ ગીચ વિસ્તારમાં ચાર માલની બિલ્ડીંગ પર ત્રણ ત્રણ ટાવર નાખ્યા છે જે નુકશાન કરતા હોય જેથી તાત્કાલિક હટાવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

મોરબી સબ જેલના જેલર પરમારની ગાંધીધામ બદલી

મોરબીની સબ જેલના જેલર તરીકે કાર્યરત એલ. વી પરમારની ગાંધીધામ ખાતે બદલી કરાઈ છે તો રાજકોટના જેલર કે એસ પટણીની મોરબી સબ જેલ ખાતે બદલી કરાઈ છે.

વડી કચેરીના કાર્યાલયના આદેશ અનુસાર મોરબી સબ જેલના જેલર એલ વી પરમારની ગળપાદર જેલ ગાંધીધામ ખાતે જાહેર હિતમાં બદલી કરી છે જયારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા કે એસ પટણીની મોરબી સબ જેલ ખાતે જાહેર હિતમાં બદલી કરી છે તેમજ સુબેદાર તરીકે ફરજ બજાવતા લાલસિંહ મેઘરાજસિંહ ઝાલાને જેલર તરીકે બઢતી મળી મોરબી સબ જેલ ખાતે જેલર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

ત્રિશુલ દીક્ષાનું આયોજન કરાયું.

મોરબી શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તા. ૧૨ ને રવિવારના રોજ રાત્રીને ૮:૩૦ કલાકે ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ટીમ દ્વારા ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રિશુલ દીક્ષા લેવા ઇચ્છુકોએ તા. ૧૧ ને શનિવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં વિશ્વ હિંદુ પરિષદ શહેર કાર્યાલય, વાંકાનેર દરવાજા પાસે નામ નોંધાવી જવા જણાવ્યું છે ત્રિશુલ દીક્ષા તા. ૧૨ ને રવિવારે રાત્રીના ૮: ૩૦ કલાકે વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય, વાંકાનેર દરવાજા મોરબી ખાતે યોજાશે.

દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ

આજે તારીખ ૩ ડીસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી ખાતે દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો, તેના વાલીઓ સાથે સક્ષમ મોરબી ટીમ અને યુવા આર્મીના સભ્યો દ્વારા આજે શનાળા ખાતેની શિશુ મંદિર શાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતાનું પૂજન કર્યું હતું જે કાર્યક્રમમાં મેહુલભાઈ ગાંભવા, દિવ્યાંગ બાળકોના સેવાધારી સત્ય વિજય સરસ્વતીએ કાર્યક્રમનું સંચાલન કરી ઉપસ્થિત દિવ્યાંગજનોનું સન્માન કરી મીઠાઈ વિતરણ કરી હતી.

(12:57 pm IST)