Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ડીપ્લોમા મેળવેલ ૧૭૫ વિદ્યાર્થીઓને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર એનાયત

જૂનાગઢ,તા. ૩ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત ડીપ્લોમા પ્રમાણપત્ર વિતરણ સમારંભમાં  કૃષિ યુનિવર્સિટીની છ પોલીટેકનીકમાંથી કુલ ૧૭૫ વિદ્યાર્થીઓએ ડીપ્લોમા અભ્યાસના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગત વર્ષ કોરોનાની મહામારી હોવા છતાં પણ યુનિવર્સિટીની તમામ પોલીટેકનીક દ્વારા તેનો અભ્યાસક્રમ સમયસર પૂરો કરાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની છ પોલીટેકનીકમાંથી કુલ ૧૭૫ વિદ્યાર્થીઓએ ડીપ્લોમા અભ્યાસ પૂરો કરેલ છે. જે તમામને ડીપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવાના સમારંભની શરૂઆતમાં કુલસચિવશ્રી ડો.આર.કે.માથુકીયાએ હાજર રહેલ સર્વેને કાર્યક્રમની પ્રસ્તાવના રજુ કરેલ. આ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે જૂનાગઢની ભકત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ચેતન ત્રિવેદી હાજર રહ્યા હતા. જેઓએ તેમના દિક્ષાન્ત પ્રવચનમાં ડીપ્લોમા અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણિકપણે કઠોર પરિશ્રમ કરીને જે જગ્યાએ નોકરી કરે ત્યાં સંસ્થાનું નામ રોશન કરવાનો અનુરોધ કર્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને ભાવી ભારતના શિલ્પી કહીને રાષ્ટ્ર અને રાષ્ટ્રના ખેડૂતોના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનો પણ અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) નરેન્દ્રકુમાર ગોંટિયાએ પણ વિદ્યાર્થીઓને સમાજસેવામાં જોડાવાનો અનુરોધ કરતા જણાવેલ કે, આપણા દેશમાં આવા પ્રકારના અભ્યાસક્રમ શરૂ કરનાર આપનું રાજય પ્રથમ હોવાથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના માધ્યમથી આવા કોર્ષને તેની માન્યતા મળે અને દેશના અન્ય રાજયોમાં પણ આવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ શરૂ થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે.

 કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીટેકનીક ઇન એગ્રો પ્રોસેસિંગના આચાર્ય ડો.એન.કે.ધમસાણીયા, શ્રીમીતેશભાઇ દવે, પ્રો. નંદાસણા અનેપોલીટેકનીકના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(12:54 pm IST)