Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપી અને ઠગાઈ કરવાના ઈરાદે યુવતી પાસે બળજબરીપૂર્વક રેકોર્ડિંગ કરાવનાર શખ્સ સામે ફરિયાદ

 જામ ખંભાળિયા,તા.૪ :  દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતી અને નાગેશ્વર રોડ ઉપર આવેલા જે.સી. માર્ટમાં કામ કરતી ૨૬ વર્ષીય એક યુવતીના ઘરે ગત તારીખ ૨૬ નવેમ્બરના રોજ બપોરના સમયે આવી ઘસી આવેલા બાટીસા ગામના બુધા ઉર્ફે બ્રિજેશ શીયાભાઈ ચાસિયા નામના શખ્સે પોતે પોલીસ હોવાનુ જણાવી, અને તે ભાણવડમાં રહી અને ખંભાળિયામાં નોકરી કરતો હોવાનું કહી, બળજબરીથી યુવતીના મોબાઇલનો લોક ખોલાવ્યો હતો. બાદમાં તેમના જણાવ્યા મુજબ બળજબરીપૂર્વક તેણીના નોકરીના સ્થળે એવા જે.સી. માર્ટના શેઠ વિશે ખોટું નિવેદન બોલવા મજબૂર કરી હતી.

 આમ, માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી પોલીસ તરીકેની ઓળખાણ આપનાર શખ્સે વિડીયો રેર્કોડિંગમાં પોતાના શેઠ અયોગ્ય કામ કરતા હોવા સંદર્ભેનું રેર્કોડિંગ બળજબરીપૂર્વક કરાવી લીધું હતું. બાદમાં ધાક ધમકી આપી અને આ બાબતે કોઈને કાંઈ ન કહેવાનું જણાવી, ઉપરોકત શખ્સ નાસી ગયો હતો.

આમ, માર્ટના શેઠ પાસેથી પૈસા પડાવવાના ઇરાદે, ઠગાઈ કરવાના હેતુથી બળજબરીપૂર્વક કોલ રેર્કોડિંગ કઢાવી લેવા બાબતની યુવતીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આ મુદ્દે બુધા ઉર્ફે બ્રિજેશ ચાસિયા સામે આઈ.પી.સી. કલમ ૩૮૪, ૧૭૦, ૪૪૭, ૪૧૯ તથા ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(12:19 pm IST)