Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકોટ જિલ્લાની કારોબારીમાં સંગઠન પ્રભારીનું ઉદ્બોધન

ભાજપ એટલે માત્ર રાજકીય પક્ષ નહિ પણ સેવા કરતુ સંગઠન : મહેન્દ્રસિંહ સરવૈયા

ભાજપના કાર્યકરોની મહેનતના કારણે કોંગીનું નામ - નિશાન ન રહ્યું : મનસુખ ખાચરિયા

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી પ્રસંગે મનસુખ ખાચરિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, કુંવરજીભાઇ બાવળિયા, જયેશ રાદડિયા, ભરત બોઘરા, ડી.કે.સખિયા, લાખાભાઇ સાગઠિયા, રક્ષાબેન બોળિયા, જશુબેન કોરાટ વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૪ : જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા ભાજપની કારોબારી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જીલ્લા અધ્યક્ષ મનસુખ ખાચરીયાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો પ્રારંભ જીલ્લા સંગઠન પ્રભારીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો.ભરતભાઈ બોઘરા, શ્રીમતિ રક્ષાબેન બોળીયા, અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ મનસુખભાઈ રામાણી, મનીષ ચાંગેલા, ધારાસભ્યઓ જયેશ રાદડિયા,  કુંવરજીભાઈ બાવળિયા, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ જીલ્લા અધ્યક્ષ ડિ.કે. સખીયા, જશુમતીબેન કોરાટ, દિનેશ અમૃતિયા સહીતના આગેવાનોના હસ્તે દિપપ્રાગટ્ય કરી કારોબારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મનસખુભાઇ ખાચરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આપણે કાર્યકરોની મહેનતથી જીત્યા છીએ. તાજેતરમાં માર્કેટિંગયાર્ડની ચૂંટણીઓમાં પણ આપણા સહકારી ક્ષેત્રના આગેવાનોની નિષ્ઠાપૂર્વકની મહેનત અને જહમતથી જીત્યા છીએ. કાર્યકરોની આવી મહેનતના કારણે આજે કોંગ્રેસની સ્થિતિ એવી થઇ છે કે કયાય એનું નામ નિશાન રહ્યું નથી.

કારોબારી બેઠકને સંબોધતા જીલ્લા સંગઠન પ્રભારીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ભાજપ એટલે માત્ર રાજકીય પાર્ટી નથી, ભારતીય જનતા પાર્ટી એક એવું સંગઠન છે જે 'સેવા હી સંગઠન' એવી વિચારધારા સાથે ચૂંટણી આવતી હોય કે ના આવતી હોય પણ લોકો વચ્ચે જઈ લોકોની સેવા કરે છે. કોરોના કાળમાં પણ દરેક કાર્યકરે ખાસ કરીને રાજકોટ જીલ્લામાં પોતાની પવિત્ર ફરજ સાથે નિષ્ઠાપૂર્વક આ સેવા કરી છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર મૂળમાં છે. કાર્યકર આગળ કયારેય ભતૂપૂર્વ લાગતું નથી. કોઈ પદ હોય તો પૂર્વ લાગે છે, આથી કાર્યકર કયારેય ભતૂપૂર્વ થતો નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની કાર્ય પદ્ઘતિનું ઉદાહરણ આપતા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાએ માર્ગદર્શન આપ્યું હતું કે, પેજ સમિતિથી પાર્ટી વધુ મજબુત બની છે આથી આગામી સમયમાં પણ પેજ સમિતિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

રાજકોટ જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ દરેક જીલ્લામાં એક દિવસનો પ્રવાસ કાર્યક્રમ રહેશે. મંડલની કારોબારી બેઠકનું આયોજન, હર ઘર દસ્તક અભિયાન, કમલ પુષ્પ કાર્યક્રમ, તા.૨૫ ડિસેમ્બર : શ્રદ્ઘેય શ્રી અટલજીનો જન્મ દિવસ, મન કી બાત કાર્યક્રમ, મંડલ પ્રશિક્ષણ વર્ગ જેવા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. 

આ કારોબારી બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ રાજકીય પ્રસ્તાવને રજુ કર્યો હતો. આ પ્રસ્તાવને ચંદુભા અને રમાબેન મકવાણાએ અનુમોદન આપ્યું હતું.

આ પ્રસંગે ગોંડલ માર્કેટિંગયાર્ડના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા અને રાજકોટ તાલુકા પ્રમુખશ્રી બાબુભાઈ નસીતએ સાસણ ગીર ખાતે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા યોજાઈ ગયેલ પ્રશિક્ષણ વર્ગ વિષે પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા.

બેઠકનું સંચાલન જીલ્લા મહામંત્રીશ્રી મનસુખ રામાણી તથા આભારવિધિ જીલ્લા ઉપાધ્યક્ષ તળશીભાઈ તાલપરાએ કરી હતી. વંદેમાતરમ અને સાંઘીકગીત આઈ.ટી.ના પ્રભારી જયેશ પંડ્યાએ ગાન કર્યું હતું.

બેઠકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વા.ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજકોટ માર્કેટિંગયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા તથા વા.ચેરમેન વસંતભાઈ ગઢીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રચાર-પ્રસારની જવાબદારી જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જશ્રી અરૂણ નિર્મળ તથા સહ-ઇન્ચાર્જશ્રી કિશોરભાઈ ડોડીયા તથા ઉદયભાઈ લાખાણીએ સંભાળી હતી.

બેઠકની વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, સહ-કાર્યાલય મંત્રી વિવેક સાતા તથા કિશોર રાજપૂત, પ્રેમશંકર, વિવેક વિરડીયા, રોહિલ દોઢીયા સહીતનાએ સંભાળી હતી.

(12:16 pm IST)